સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વેબસાઈટ પરી ટિકિટ બુક કરાવી શકાશે: ૯મીથી કાઉન્ટર દ્વારા ઓફલાઈન વેંચાણ: ટિકિટનો ભાવ રૂા.૫૦૦થી લઈ ૧૦,૦૦૦
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવાનો છે. જેની ટિકિટનું ઓનલાઈન વેંચાણ આગામી ૧લી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. ૯મીથી કાઉન્ટર ખોલી ઓફલાઈન ટિકિટનું વેંચાણ કરવામાં આવશે. ટિકિટનો ભાવ રૂા.૫૦૦ થી રૂા.૧૦,૦૦૦ રૂપિયા સુધીનો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સુત્રોના જણાવ્યાનુસાર ઓસ્ટ્રેલીયાની ટીમ રાજકોટ ખાતે ત્રીજી વખત ઈન્ટરનેશનલ મેચ રમવા આવી રહી છે. ૭ ઓકટોબર ૧૯૮૬ના રોજ માધવરાવ સિંધીયા સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલો મેચ ઓસ્ટ્રેલીયાની ટીમે ૭ વિકેટે જીતી લીધો હતો. જ્યારે ૧૦ ઓકટોબર ૨૦૧૩ના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટી-૨૦ મેચ રમાયો હતો. આ જ દિવસે સચિન તેંડુલકરે ટી-૨૦ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. આ મેચ ભારતે ૬ વિકેટે જીતી લીધો હતો અને યુવરાજસિંઘને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ રમાનારા વન-ડે મેચ માટે ૧લી જાન્યુઆરીથી ઓનલાઈન ટિકિટનું વેંચાણ શરૂ કરવામાં આવશે. જે ક્રિકેટ રસીકો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની વેબસાઈટ www.saucricket.com પરી મેળવી શકશે. આ ઉપરાંત બુક માય શો પરી પણ ટિકિટ મેળવી શકાશે. ઓફલાઈન વેંચાણ ૯મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.
ટિકિટનો ભાવ ઈસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂા.૫૦૦, લેવલ-૨માં રૂા.૮૦૦, લેવલ-૩માં રૂા.૫૦૦, વેસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂા.૧૫૦૦, લેવલ-૨માં રૂા.૧૮૦૦, લેવલ-૩માં રૂા.૧૮૦૦, હોસ્પીટાલીટી બોકસમાં રૂા.૬૦૦૦ (ડીનર સાથે), સાઉ પેવેલીયનમાં લેવલ-૧માં રૂા.૬૦૦૦ (ડીનર સાથે), લેવલ-૨માં રૂા.૬૦૦૦ (ડીનર સાથે) અને લેવલ-૩માં રૂા.૨૫૦૦ જ્યારે હોસ્પીટાલીટી બોકસમાં રૂા.૧૦,૦૦૦નો ભાવ નિયત કરવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ મળશે.