વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૩ દરમિયાન નિશા ગ્રુપનાં ડાયરેકટર તરીકે કર્મચારીઓ સાથે બોગસ કંપનીઓ અને પેપર તૈયાર કરવાનું કૌભાંડ આચર્યું
ગુજરાત કેડરનાં પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની સંપત્તિને ઈડીએ ટાંચમાં લીધી છે. મેટ્રો લીંક એકસપ્રેસ પ્રોજેકટમાં ગેરરીતી આચરવા બદલ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું સુત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે. આઈએએસ અધિકારી સંજય ગુપ્તાએ ૨૦૦૨માં નોકરી છોડી દીધી હતી અને ત્યારબાદ નિશા ગ્રુપ ઓફ કંપનીઝ નામે પોતાનો હોસ્પિટાલીટીનો વ્યવસાય પણ શરૂ કર્યો છે. મની લોન્ડરિંગના કાયદાની જોગવાઈ હેઠળ ગુજરાતના પૂર્વ આઈએએેસ ઑફિસર સંજય ગુપ્તા અને તેમના પરિવારના સભ્યોની રૂપિયા ૩૬.૧૨ કરોડની મિલકતોને ટાંચ લીધી છે.
ઈડીની દિલ્હી ઑફિસે આ તમામ મિલકતોને ટાંચમાં લીધી હોવાનું સામે આવ્યું છે. ટાંચમાં લેવામાં આવેલી તેમની મિલકતોમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ધનંજય ટાવરની મિલકતો તથા આ જ વિસ્તારમાં આવેલી અન્ય સ્થાવર મિલકતો, અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટેલ અને જોધપુરમાં આવેલા કાસેલા ટાવરની મિલકતનો સમાવેશ થાય છે. તદુપરાંત અમદાવાદના દસક્રોઈ અને ચાંગોદર તથા વિશાલપુર ખાતે આવેલી ફેક્ટરીઓ અને પોલ્ટ્સનો પણ સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે સંજય ગુપ્તાએ તેમના નજીકનાં લોકો અને સગા-સંબંધીઓનાં નામે જે કંપનીઓ ઊભી કરી હતી તે કંપનીઓના નામે બોગસ બિલ બનાવીને મેગા કંપનીમાંથી તે પ્રમાણે નાણાંનો ઉપાડ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય ગુપ્તા અને તેમના પત્ની નીલુ ગુપ્તાના નામની મિલકતો અને નીશા ગુ્રપ ઑફ કંપનીઝના નામે કરવામાં આવેલી મિલકતોને પણ ટાંચ લગાડવાનો નિર્ણય લીધો હતો.નીશા ગુ્રપની કંપનીઓમાં નીશા લીઝ્યોર લિમિટેડ, નીશા ટેક્નોલોજીસ, નીશા એગ્રીટેક એન્ડ ફૂડ લિમિટેડનો સમાવેશ થાય છે. પ્રીવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ મિલકતોને ટાંચ લગાડવામાં આવી હતી. ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રો રેલનું નેટવર્ક તૈયાર કરવા માટેની મેટ્રો લિન્ક એક્સપ્રેસ લિમિટેડના ફંડની ઉચાપત કરી હોવાનો તેમની સામે આક્ષેપ કરવામાં આવેલો છે. મેટ્રો રેલનું નેટવર્ક તૈયાર કરવા માટેની કંપની મેગાના ટૂંકા નામે જાણીતી છે. આ કંપનીના ચેરમેન તરીકે તેમણે ૨૦૧૧થી ૨૦૧૩ના ગાળામાં સેવા આપી હતી. તેમણે જુદી જુદી સત્તાવાર જગ્યાઓ પર તેમના પોતાના માણસોની નિમણૂક કરી હતી. આ માણસો નીશા ગુ્રપમાં તેમની સાથે જ કામ કરતાં હતા. કહેવાતી ગુનાઈત બેદરકારી માટે આ કેસ કરવામાં આવેલો છે. સંજય ગુપ્તા ૧૯૮૫ની બેચના આઈએએસ અધિકારી છે. તેમણે ૨૦૦૨ની સાલમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નીશા ગુ્રપ ઑફ કંપનીઝની સ્થાપના કરીને હોટેલ ઉદ્યોગમાં તેમણે ઝંપલાવ્યું હતું.