આવા તોફાની તત્વોને દંડવામાં આવશેનો નિર્દેશ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. જેમાં મુસ્લિમોને બાકાત રખાતા દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો દરમ્યાન નવી દિલ્હી સહિત અનેક સ્થાનો પર હિંસક તોફાનો થયા હતા જેમાં મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી મિલ્કતોને તોફાની ટોળાએ નુકશાન પહોચાડયું હતુ આ મુદે શાસક ભાજપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો વચ્ચે સામસામે આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આ હિંસક ઘટનાઓ માટે કોંગ્રેસ પ્રેરિત ‘ટુકડે ટુકડે’ ગેંગને જવાબદાર ઠેરવીને તેઓ નાગરીકતા કાયદા મુદે અસમંજસ ફેલાવી રહ્યાનો આક્ષેપ કરતા આ મુદે ચાલતા રાજકારણમાં ફરીથી ગરમાવો આવી જવા પામ્યો છે.
નાગરિકતા સંશોધન કાયદો ના વિરોધમાં દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ના નેતૃત્વમાં ટુકડે ટુકડે ગેંગ દિલ્હીની અશાંતિ માટે જવાબદાર છે.અમિત શાહે કહ્યું હતું. ’કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ટુકડે ટુકડે ગેંગ જે દિલ્હીની અશાંતિ માટે જવાબદાર છે તેમને દંડિત કરવાનો સમય આવી ગયો છે. દિલ્હીની જનતાએ તેમને દંડ કરવો જોઈએ.’ તેમને દાવો કર્યો કે નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષે દિલ્હીની જનતાને ભ્રમિત કરીને દિલ્હીની શાંતિ ભંગ કરી છે. ’નાગરિકતા સંશોધન બિલ પર સંસદની અંદર ચર્ચા થઈ ત્યારે કોઈ કશું બોલવા તૈયાર નહતું. આજુ બાજુની વાતો કરતા હતાં. બહાર નીકળતા જ તેમણે ભ્રમ ફેલાવવાનું શ કર્યું અને દિલ્હીને અશાંત કર્યું.’ અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં અનેક જગ્યાઓ પર હિંસા થઈ. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, સીલમપુર, અને દિલ્હી ગેટ પર હિંસા ભડકી હતી. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ’હું આજે તમને બધાને સૌથી મોટો વિરોધ કયો છે તે જણાવવા માંગુ છું. મોદીજી, હરદીપજી ઝડપથી કામ કરવા માંગે છે, પરંતુ આ આપ સરકાર સૌથી મોટો વિરોધ છે. કેજરીવાલ સરકાર દરેક વિકાસના કામમાં અડિંગો લગાવે છે.’અમિત શાહે કહ્યું કે કેજરીવાલજીને મુખ્યમંત્રી બન્યે લગભગ ૬૦ મહિના થવા આવ્યાં, આ અગાઉ આ તમામ વચનો પૂરા કરાયા નહીં. હજુ પણ આ વચનો પૂરા થવાના નથી, ફક્ત જાહેરાતો આપીને આ લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. તેમણે જીવનમાં ફક્ત વિરોધ કરવા અને ધરણા ધરવાનું કામ કર્યું છે.