જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વડાલ ખાતે ખેડૂત દિવસની ઉજવણી: નિષ્ણાંતોએ ખેડૂતોને પાકની વિવિધ સમસ્યા અંગે પુરૂ પાડ્યુ મહત્વનું માર્ગદર્શન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળ ચાલતી સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના દ્વારા યોજાનાર ખેડૂત શિબિર, કુલપતિ ડો. વી.પી.ચોવટિયા તથા ડો. વી.વી.રાજાણી માર્ગદર્શન અંતર્ગત જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ખેડૂત દિનની ઉજવાની કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે પ્રારંભમાં ડો.જી.આર. ગોહિલે જણાવ્યું કે, નવી નવી ટેકનોલોજી ખેડૂત સુધી પહોંચાડવામાં કૃષિ યુનીવર્સીટીનો ફાળો મુખ્ય છે. વધુમાં જણાવ્યું કે, ગામડે-ગામડે કૃષિ લાઈબ્રેરી ઉભી થવી જોઈએ સાથે ખેડૂતોએ પણ પોતાની પાસે કૃષિ સાહિત્ય હોવું જોઈએ જેથી તેમાંથી માહિતી મેળવી એગ્રો ઉપર આધારીત ન રહેતા પોતે પોતાનો નિર્ણય લઈ પાકમાં ઉપયોગ કરે. આ પ્રસંગે કિટકશાસ્ત્ર વિભાગમાંથી ડો. ડી. એમ. જેઠવાએ હાલની પરિસ્થિતિમાં ખેડુતોઓએ ડુંગળી અને લસણના પાકમાં કૃમીનાં નિયંત્રણ માટે વાવેતર પહેલા એરંડીનો ખોળ તથા લીંબોળીનાં ખોળનો ઉપયોગ કરવો જમીનની તૈયારી દરમ્યાન કાચા ખાતરનો ઉપયોગ ન કરવો વાવેતર સમયે કાર્બોફયુરાન ૩ લી/૩ કિલો પ્રતિ વીઘામુજબ જમીન માં નાખવું. ધાણા, જીરૂ જેવા શિયાળુંપાકમાં મોલોમચ્છી તથા થ્રીપ્સનાં નિયંત્રણ માટે જૈવિક દવા સાવજ બ્યુવેરીયા ૮૦ ગ્રામ/પંપ મુજબ છંટકાવ કરવો તથા રાસાયણિક દવાઓ જેવીકે ડાયમીથીયોટ ૨૦ મિલી પ્રતિ પંપ અથવા કાર્બોસલ્ફાન ૧૦ મિલી પંપ મુજબ સાવજ બ્યુવેરીયા સાથે છંટકાવ ક્રમ મુજબ કરવો.
તુવેરમાં લીલી ઈયળના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા ૮૦ ગ્રામ પ્રતિ પંપ એકલું અથવા તેની સાથે અડધા ડોઝમાં રાસાયણિક દવાઓ જેવીકે એમામેંકટીન બેન્ઝોએટ ૫ ગ્રામ/પંપ અથવા ક્વીનાલફોઝ ૨૦ મિલી/પંપ અથવા ક્લોરાન્ટા નીલીપ્રોલ ૩ મિલી/પ્રતિ પંપ મુજબ જરૂરિયાત મુજબ છંટકાવ કરવા અંગે માર્ગદર્શન આપેલ.
આ પ્રસંગે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો. વી. આર. માલમએ પણ ઉપયોગી સૂચનો કર્યા હતા. ખેડુત દિન અંતર્ગત ખેડૂતોની ક્વીઝ રાખવામાં આવેલ જેમાં એક,બે અને ત્રણ ક્રમ મેળવનારને ઇનામ આપવામાં આવેલ. ઉપરાંત ડો. એમ. વી.નાલીયાધારા તથા પી.જી. વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા.