દૂધની દાજેલી બેંકો છાશ પણ ફૂંકીને પીવે છે
નાદારી કાયદામાં સુધારો સહિત બેન્કો દ્વારા મોટા ફંડિગ પર રોક લગાવતા હોવાનું આવ્યું સામે
કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથને હાંસલ કરવા માટે જે સ્વપ્ન અને તેને અનુસરી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેનાથી દેશમાં અને દેશની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો પણ જોવા મળી રહ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા અનુસાર ગત ૭ વર્ષની સરખામણીમાં પ્રથમ વખત એનપીએમાં ઘટાડો નોંધાયો છે ત્યારે કહી શકાય કે દુધની દાઝેલી બેંકો પણ હવે છાશ ફુકી-ફુકીને પીવે છે ત્યારે હવે બેંકોને જે લોકો ધુંબા મારતા હતા તેના પર રોક લાગશે. એનપીએને જો સમજવામાં આવે તો જે કોઈ લોકો બેંકો પાસેથી નાણા લોન પેટે લેતા હોય છે અને જો તેને પરત કરવામાં ગ્રાહકો નિષ્ફળ રહે તો બેંક તેઓને એનપીએ કરી દેતા હોય છે. બીજી તરફ વિલફુલ ડિફોલ્ટરો કે જે બેંકો પાસેથી નાણા લઈ દેશ છોડી દેતા હોય છે તેવા અનેક દાખલા સામે આવ્યા છે જેમાં વિજય માલ્યા, નિરવ મોદી અને નરેશ ગોયલ જેવા ભાગેડુ ઉધોગપતિઓનાં કારણે બેંકોની એનપીએમાં અનેકગણો વધારો જોવા મળ્યો હતો.
આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે સરકારે નાદારી કાયદામાં ફેરબદલ અને સુધારો કરતાની સાથે જ બેંકોનું એનપીએ લેવલ ઘટાડા પર આવ્યું છે. બેંકરપ્સી કોડમાં જે સુધારા આવ્યા છે તેમાં હવે માત્ર કોઈ કંપની નહીં પરંતુ કંપનીનાં માલિકની પણ સંડોવણી ગણવામાં આવશે કે જે બેંકોને ધુંબા મારતા હોય.
આ સુધારો થતાની સાથે જ હવે કંપનીનાં માલિકોની પણ જવાબદારી ફિકસ થશે. આંકડાકિય માહિતી જો મેળવવામાં આવે તો એનપીએ ૨૦૧૮નાં માર્ચ માસમાં ૧૧.૨ ટકાનો હતો જે માર્ચ ૨૦૧૯માં ઘટી ૯.૧ ટકા રહ્યો છે. સાથોસાથ જીએનપીએ રેશિયોમાં પણ અનેકગણો ઘટાડો જોવામાં આવ્યો છે જેનું કારણ એ છે કે જે કોઈ લોન લેનાર લોકો હોય તેઓ તેમની લોનની ભરપાઈ શ કરી દીધી છે. સાથો સાથ બ્લોક થયેલા નાણાઓની રીકવરી પણ પુરજોશમાં ચાલી રહી છે. હાલ દેશની જે અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાથી બેડ લોનમાં જે સુધારો આવ્યો છે તેનાથી અનેકગણો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને પહોંચશે અને જે રીતે બેંકોનાં એનપીએમાં ઘટાડો થયો છે તેનાથી સરકારી લાભો પણ બેંકોને પૂર્ણત: મળતા રહેશે તેવી વાત સામે આવી રહી છે.
બેંકોનાં એનપીએ ઘટવાનું કારણ એકમાત્ર નાદારી કાયદામાં ફેરબદલ કે સુધારાઓ જ નથી પરંતુ વિલફુલ ડિફોલ્ટરો ઉપર લાલ આંખ કરી બેંકો દ્વારા જે મોટા લેન્ડીંગ એટલે કે મોટા ધિરાણો કરવામાં આવતા હતા તેના પર રોક મુકવામાં આવી છે જેથી જે કોઈ ઉધોગપતિઓને લોન લેવી હોય તો તેઓએ અનેક પ્રકારે પોતાને પુરવાર કરી લોનને મેળવી શકાશે ત્યારે બીજી તરફ જે રીતે એનપીએમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેનાથી પબ્લીક સેકટર બેંક પ્રાઈવેટ બેંકોની પણ સ્થિતિ સુધરશે. બીજી તરફ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓની પણ પરિસ્થિતિ સુધરશે તેવી આશા સેવવામાં આવી રહી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં જણાવ્યાઅનુસાર જે રીતે દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા અને વેગવંતુ બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેનાથી દેશની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે. કો-ઓપરેટીવ બેંકોની પણ આર્થિક પરિસ્થિતિ સુધારા પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા ૭ વર્ષમાં જે રીતે ૨૦૧૯નાં બાકી રહેતા દિવસોમાં એનપીએમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનાથી અર્થવ્યવસ્થામાં જાણે પ્રાણનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.
બજારમાં તરલતા અને ગ્રાહકોને ઘરવખરીની સાધન-સામગ્રી ખરીદવા રિઝર્વ બેંકે નવું ઉપકરણ બહાર પાડયું
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ નવું ઉપકરણ બહાર પાડયું છે જેનું નામ છે પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટુમેન્ટ. આ ઉપકરણથી બજારમાં તરલતા અને ગ્રાહકોને ઘરવખરીની સાધન-સામગ્રી ખરીદવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટુમેન્ટ વિશે જો વાત કરવામાં આવે તો ગ્રાહકો આ ઉપકરણમાં પ્રતિ માસ ૧૦,૦૦૦ જેટલી બેલેન્સ રીચાર્જ કરાવી શકશે. જયારે પ્રતિ વર્ષ ૧.૨ લાખ પિયાની બેલેન્સ ગ્રાહકો તેમના મોબાઈલ ફોન પર રાખી શકશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા અનુસાર ગ્રાહકો આ ઉપકરણની મદદ માત્રને માત્ર ઘરવખરીની ચીજ-વસ્તુઓ અને સાધન-સામગ્રી ખરીદવા માટે જ ઉપયોગમાં લઈ શકશે. આ ઉપકરણથી કોઈપણ પ્રકારનું ફંડ એક કે બીજા વ્યકિતને ટ્રાન્સફર કરવામાં
નહીં આવે. જે કોઈ લોકો પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટુમેન્ટનો લાભ લેવા માંગતા હોય તે સર્વે લોકોએ તેમના નોંધાયેલા રજીસ્ટડ મોબાઈલ નંબરોમાં આવતા ઓટીપી, ઓફિશીયલ વેરીફાઈ દસ્તાવેજો તથા કેવાયસી મારફતે આ ઉપકરણથી જોડાઈ શકશે. પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટુમેન્ટ લાગુ થતાની સાથે જ ફોન પે અને પેટીએમ જેવી કંપનીઓને વેગ મળશે અને લોકો ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધશે. કયાંકને કયાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ડિજિટલ ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી દેશને કેશલેશ ઈકોનોમી તરફ વહેલી તકે આગળ વધે તે દિશામાં જાણે પગલા લેવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ અનેકવિધ યોજનાઓ અને ઉપકરણો બહાર પાડી રહ્યું છે ત્યારે પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટુમેન્ટ ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન અને વેગવંતુ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.