અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી-સુશાસન દિવસ રૂપે ઉજવી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ૯ કૃષિ સંમેલન યોજી આદર અંજલિ અર્પવાનું આયોજન
ભારતીય લોકશાહી અને સંસદીય પ્રણાલિકાના પૂજારી, ભારતીય રાજનીતિના ધ્રુવતારક, જનનાયકની શ્રેણીમાં સ્થાન પામેલા અને ભારત વર્ષમાં કરોડો લોકોની લાગણી અને લોકચાહના જીતેલા પ્રખર વકતા, કવિ, પત્રકાર, રાજનેતા, દેશના ભુતપૂર્વ પ્રધાનમંત્રી, પદ્મવિભૂષણ તથા ભારતરત્નથી સમ્માનિત ઈ.સ. ૧૯૨૪ની ૨૫ ડિસેમ્બરના રોજ ગ્વાલિયરમાં (મધ્યપ્રદેશ) જન્મેલા વિકાસ પુરુષ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી હતા, અભ્યાસમાં મોટેભાગે પહેલા-બીજા નંબરે જ આવતા હતા. ગ્વાલિયરમાં તેમણે કિશોરાવસ્થામાં આર્ય કુમાર સભા નામે ચળવળની શરૃઆત કરી દીધી હતી. તેઓ ૧૯૩૯માં બાબાસાહેબ આપ્ટેથી પ્રભાવિત થઈને સંઘમાં આવ્યા હતા. પત્રકારત્વમાં તેમને બહુ રસ હતો. એ રસ પોષવાનું કામ પંડિત દિનદયાલે કર્યું હતું. ‘રાષ્ટ્રધર્મ’ નામના અખબારનું કામ પંડિતજીએ વાજપેયીને સોંપ્યુ હતુ. એ પછી તેમણે ‘પાંચજન્ય’, ‘વીર અર્જૂન’ અને ‘સ્વદેશ’ એમ વિવિધ અખબારોમાં કામ કર્યું હતુ. ભારતની ૧૯૫૭માં યોજાયેલી બીજી લોકસભા ચૂંટણી વખતે વાજપેયી મથુરા અને બલરામપુર એમ બે બેઠક પરથી તેઓ ચૂંટણી લડયા હતા. મથુરાની બેઠક તેમણે ગુમાવી હતી, બલરામપુરથી જીત્યા હતા. વાજપેયીજી પોતાની કારકિર્દી દરમિયાન કુલ મળીને ૪૭ વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. વિવિધ સમયે તેઓ સંસદમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ચાર અલગ અલગ રાજ્યમાંથી ચૂંટાયા હતા. આવી સિદ્ધિ મેળવનારા તેઓ એકમાત્ર નેતા છે. ૧૯૭૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અટલજીએ હિન્દીમાં ભાષણ આપ્યુ હતુ. એ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતના કોઈ નેતાએ રાષ્ટ્રસંઘની સભામાં હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ પછી તો ઘણા ભારતીય નેતાઓએ રાષ્ટ્રસંઘમાં હિન્દી ભાષા વાપરી છે. સંસદમાં હોય કે ચૂંટણીસભામાં હોય, અટલજીનું ભાષણ હંમેશા વિદ્વતાથી ભરપૂર રહેતું.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો- મહાપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીજી નું સ્થાન અટલ-અમર છે. સત્તાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા-ગરિમા-શાલીનતા જાળવે છે. અટલબિહારી વાજપેયીજી તમામ પ્રકારે અન્યાય અટકાવનારા અને ન્યાય અપાવનારા જનનાયક હતા.
રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, અટલજી સાથે રાજકોટથી લઈ દિલ્હી સુધીની ઘણી બધી યાદો આજે સ્મૃતિપટ પર તરવરી રહી છે. જયારે જયારે તેઓએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે તેમની વિનમ્રતા, સાલસતા અને મહાનતાનો અત્યંત નિકટથી પરિચય મેળવવાનો લ્હાવો મળ્યો છે. આજે તેમનાં જન્મદિવસે જયારે સમગ્ર દેશમાં સુશાસન દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા માટે ગૌરવની વાત છે. અલબત્ત રાજ્યની રૂપાણી સરકાર ગુજરાત સરકારે ૨૫મી ડિસેમ્બરે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠ ગુડ ગવર્નન્સના રૂપમાં ઊજવતાં રાજ્યભરમાં કુલ ૯ સ્થળે કિસાન સંમેલનો યોજવાનું નક્કી કર્યું છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસ પર રાજ્યમાં કૃષિ સંમેલન થવા એ અટલજીનાં આત્મા સહિત સૌને આનંદ અપાવનારી વાત છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી – સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં ૯ કૃષિ સંમેલન યોજવાનું કાર્ય કાબિલેદાદ છે.
અટલ બિહારી વાજપેયીજીનાં નિધનને એક વર્ષથી વધુનો સમય પસાર થઈ ગયો છે. જો અટલ બિહારી વાજપેયીજી આજે જીવંત હોતા તો દેશની વર્તમાન પરીસ્થિતિને નિહાળી ખૂબ ખુશ થાત. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ દૂર થાય એ અટલજીનું સપનું હતું. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બને અને દેશનાં શરણાર્થીઓને નાગરિકતા મળે તે માટે અટલજી હરહંમેશ પ્રયત્નશીલ રહ્યાં હતા. ભાજપનાં આરાધ્ય પુરુષ અટલજીનાં સપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતશાહ સાથે મળીને સાર્થક કર્યા છે. યુગોયુગ સુધી ભારત અને ભાજપ અટલ બિહારી વાજપેયીને હરહંમેશ યાદ રાખશે.