કાલથી ઉત્તરના પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધે તેવી હવામાન વિભાગની આગાહી: નલિયાનું ૧૦.૮ અને રાજકોટનું ૧૪ ડિગ્રી તાપમાન
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ૨ દિવસથી બર્ફીલા પવનનું જોર ઘટતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે જો કે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થયો છે છતાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય રીતે ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કાલથી પવનની દિશા ઉત્તરમાં થતા ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે.
આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને ૫ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું હતું . નલિયાનું લઘુતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા નોંધાયું હતું.રાજ્યભરના વિવિધ શહેરના તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી, દિશાનું ૧૫.૩ ડિગ્રી, વડોદરાનું ૧૯ ડિગ્રી, સુરતનું ૧૯.૦૬ ડિગ્રી, રાજકોટનું ૧૪ ડિગ્રી, ભાવનગરનું ૧૭.૭ ડિગ્રી, પોરબંદરનું ૧૭.૬ ડિગ્રી, વેરાવળનું ૧૯.૫ ડિગ્રી, દ્વારકાનું ૧૭.૪ ડિગ્રી, ઓખાનું ૨૦.૮ ડિગ્રી, ભુજનું ૧૨.૫ ડિગ્રી, નલિયાનું ૧૦.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૭ ડીગ્રી, ન્યૂ કંડલાનું ૧૩.૮ ડિગ્રી, કંડલાનું ૧૫.૨ ડિગ્રી, અમરેલીનું ૧૫ ડિગ્રી, મહુવાનું ૧૭.૭ ડિગ્રી, દિવનું ૧૮ ડિગ્રી, વલસાડનું ૨૦.૬ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું ૧૭.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ડીસેમ્બર માસ દરમિયાન મોટા ભાગે ઉત્તર તરફના પવનો ફૂંકાતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઉત્તર-પુર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જો કે કાલથી પવનની દિશા ઉત્તર માં થતા ઠંડીનું જોર વધવાની સંભાવના દેખાઈ રહી છે.