રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી તાકીદે ચેક પોસ્ટ બંધ કરવા કર્યો આદેશ
ચેક પોસ્ટ બંધ કરવા પાછળ પોલીસબેડામાં તરેહ તરેહની ચર્ચા
એક સાથે ૨૦૦ ચેક પોસ્ટ બંધ થતા ફરજ બજાવતા પોલીસ સ્ટાફને પરત કરાયા
ગુજરાતમાં દારૂબંધીનો કંઇ રીતે અમલ કરાવાશે? અને ઘુસણખોરોને કંઇ રીતે અટકાવાશે?
મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજય અલગ કરવામાં આવ્યું ત્યારથી ગુજરાતને જોડતા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માર્ગો પર ચેકીંગ માટે પોલીસની ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી હતી તે રીતે જ આંતર જિલ્લાને જોડતી સરહદ પર પણ પોલીસની ચેક પોસ્ટ શરૂ કરામાં આવી હતી. રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગતરાતે તમામ ચેક પોસ્ટ બંધ કરી દેવા આદેશ જારી કર્યો છે. ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ કરી દારૂબંધીને અસરકારક બનાવવામાં આવતી હતી તેમજ ઘુસણખોરો અને ભાંગફોડીયા તત્વોને અટકાવવાની કામગીરી કરવામાં આવતી હતી.
ગુજરાતને જોડતા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પરની આરટીઓની ચેક પોસ્ટને એકાદ માસ પહેલાં બંધ કરી ચેક પોસ્ટ પર ફરજ બજાવતા સ્ટાફને આરટીઓમાં પરત કરી હાઇ-વે પર વાહન ચેકીંગ સહિતની કામગીરી સોપવામાં આવ્યા બાદ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ આંતર રાજય અને આંતર જિલ્લાની બોર્ડર પર ઉભી કરાયેલી પોલીસની ચેક પોસ્ટ તાકીદની અસરથી બંધ કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતમાં એક સાથે ૨૦૦ જેટલી ચેક પોસ્ટ શા માટે બંધ કરવામાં આવી તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અજાણ છે. ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જે તે પોલીસ મથકમાં પરત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વાહનનોનું ચેક પોસ્ટના સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવતું હતું ચેક પોસ્ટ વર્ષોથી કાર્યરત હોવા છતાં અન્ય રાજયમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાથી જે ઉદેશથી શરૂ કરાયેલી ચેક પોસ્ટના સ્ટાફ દ્વારા તેની મુળ કામગીરી સાઇડ પર થઇ જતા ચેક પોસ્ટ શોભાના ગાંઠીયા જેવી બની ગઇ હોવાથી બંધ કરવામાં આવી હોવાનું કેટલાક પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે.
ચેક પોસ્ટ બંધ થવાના કારણે ગુજરાતમાં સરળતાથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવશે તે ઉપરાંત રાત્રી દરમિયાન ગુનેગારો એક રાજયમાંથી બીજા રાજયમાં અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ગુનો કરી સરળતાથી જતા રહેશે તેવી કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ચેક પોસ્ટના સ્ટાફ દ્વારા થતા ચેકીંગ કામગીરી હવે કંઇ રીતે ગોઠવવામાં આવેશે તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી ઘુષણખોરીને અંકુશ કરવી મુશ્કેલ બનશે તેમદ ભાંગફોડ તત્વોને છુટોદોર મળી જશે તેમ કહ્યું હતું.
ઘુષણખોરો દ્વારા જમીન માર્ગ ઉપરાંત દરિયાઇ માર્ગે પણ આવીને આંતકવાદી પ્રવૃતિને અંજામ આપ્યાનો ભુતકાળ છે ત્યારે ચેક પોસ્ટ બંધ કરી સરહદો ખુલ્લી કરવા પાછળ કયા કારણો હોય તે અંગે પોલીસ બેડામાં ચર્ચા થઇ રહી છે.
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ દરેક શહેરના પોલીસ કમિશનર અને જિલ્લાના એસપીને પરિપત્ર જારી કરી ચેક પોસ્ટ બંધ કરવાના કરેલા આદેશના પગલે પોલીસ સ્ટાફને આનુસંગિક ડયુટી સોપવામાં આવશે ડીજી ઝાના આદેશથી રાજકોટ જિલ્લાની નવ ચેક પોસ્ટ બંધ કરવામાં આવી છે.