પાક વિમો ઝડપથી ચુકવવો, કલ્પસર યોજના, રોજ-ભુંડને પકડી જંગલમાં મુકવા સહિતના પ્રશ્નોની રજુઆત ઉચ્ચકક્ષાએ કરવા ચર્ચા-વિચારણા કરાઈ
ગઈકાલે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડુત અને ખેતીનાં લગતા પ્રશ્ર્નોની બાબતમાં સૌરાષ્ટ્રનાં ભારતીય કિસાન સંઘનાં દરેક જિલ્લાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્રનાં પ્રદેશમાં પ્રતિનિધિઓએ ચિંતન બેઠકમાં હાજરી આપી હતી. ખાસ પ્રદેશ પ્રતિનિધિ તરીકે સામતભાઈ જેબલિયા તેમજ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયાના અધ્યક્ષ સ્થાને આ મીટીંગનું આયોજન થયેલ હતું.
હાલ સૌરાષ્ટ્રનાં ખેડુતોના મુદાઓ જેમ કે, પાક વીમો ઝડપથી ચુકવવો, ટેકાના ભાવની ખરીદીની જગ્યાએ ડાયરેકટર ખેડુતના ખાતામાં સબસીડીના રૂપિયા જમા થાય. તેમજ કલ્પસર યોજના કે જે સૌરાષ્ટ્રની જીવાદોરી બરાબર છે. રોજ અને ભુંડ તે મનુષ્ય જીવન માટે ઉપયોગી નથી અને ખેતીને નુકસાન કરે છે. જેથી ખેડુતોને રાત્રે ઉજાગરા થાય છે તો તેને ઝડપથી પકડીને જંગલમાં મુકવા. લાઈટ ખેડુતોને ૩ સાયકલમાં મળે છે તેને બે સાયકલમાં કરવી જેમ કે સવારના ૪ થી બપોરના ૧૨ અને બપોરના ૧૨ થી રાતનાં ૮, આમ બે સાયકલમાં ઝડપથી ગોઠવણી કરવી. ખેતીના ખેત ઓજારો ઉપર જીએસટી લાગે છે તે જીએસટી રદ કરવો. આવા નાના-મોટા ઘણા પ્રશ્ર્નોને લઈને દરેક પ્રશ્ર્નો પર ચિંતન કરવામાં આવેલ હતું અને તે પ્રશ્ર્નને યાદી બનાવી હતી તે પ્રશ્ર્નોની યાદી તા.૩૦/૧૨/૧૯નાં સૌરાષ્ટ્રનાં દરેક તાલુકામાં મામલતદાર કચેરીએ ભારતીય કિસાન સંઘનાં દરેક કાર્યકર્તાઓ સાથે મળીને આવેદનપત્ર અપાશે એવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. આ પ્રશ્ર્નોની રજુઆત પછી સરકાર તરફથી કોઈપણ જાતના ટુંક સમયમાં વિચાર કરવામાં નહીં આવે તો, મજબુરન ભારતીય કિસાન સંઘ ખેડૂતનાં પ્રશ્ર્નોને લઈને આગળનાં કાર્યક્રમો કેમ કરવા તેની પણ વિચારણા કરવામાં આવશે એમ યાદીમાં જણાવાયું છે. વિવિધ પ્રશ્ર્નો મુદ્દે સંઘનાં અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.