મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે યોજાયેલી “બીઝનેસ સમિટમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજકોટ નજીક આવેલા મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે આયોજિત બીઝનેસ સમિટકાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મહેનત કરવામાં અને જોખમ ઉઠાવીને સફળતા હાંસલ કરનારા રાજકોટના ઉદ્યોગપતિઓને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ઉદ્યોગો રા્ષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ સમાન છે. દેશની આર્થિક સમૃધ્ધિના વિકાસમાં અને રોજગારી સર્જન કરવામાં ઉદ્યોગો સદા અગ્રેસર રહ્યા છે. માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વની જરૂરીયાતોને પરીપૂર્ણ કરવા માટે રાજકોટના ઉદ્યોગો સામર્થ્યવાન છે. રાજકોટના ઉદ્યોગપતિઓ સમાજને કંઈક વધુ સારૂ આપવાની બાબતને લક્ષમાં રાખીને પોતાની સામાજિક જવાબદારીઓ સુપેરે નિભાવીને ભારતીય સમાજના પ્રતિબિંબને ખરા અર્થમાં રજુ કરે છે.
રાજ્યપાલે ઉપસ્થિતોને સુભાષ પાલેકર દ્વારા નિદર્શિત કૃષિના વિકાસમાં વૈચારિક સહયોગ આપવા અને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ તકે જાણીતા ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ રાજ્યપાલને રાજકોટના ઉદ્યોગ જગત અંગે ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઈ વોરા, રાજકોટ એન્જીન્યરીંગ એસો. ના પ્રમુખ પરેશભાઈ વસાણી, આજી જી.આઈ.ડી.સીના પ્રમુખ જીવનભાઈ બેચરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, અગ્રણી શિવલાલભાઈ આદ્રોજા, શંભુભાઈ પટેલ, અશ્વિનભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, બિપીનભાઈ હદવાણી, ચંદુભાઈ વિરાણી, રમેશભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા સહિતના અનેક મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કિરીટભાઈ આદ્રોજાએ કર્યું હતું જ્યારે આભાર દર્શન વિનેશભાઈ પટેલે કર્યું હતું. આ તકે રાજ્યપાલને સ્મૃતિચિન્હ પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહૂતી બાદ રાજ્યપાલના વરદ્ હસ્તે સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.