ભોગ બનનાર અને આરોપીના મહિલા પોલીસે નિવેદન નોંધી કંઇ કશુ ન બન્યાંનું જાહેર કરી ભીનું સંકેલવા મહિલા ફોજદારની વરવી ભૂમિકા
ગુનાહીત ભૂતકાળના કારણે ફરિયાદ ન કરવાની યુવતીની વાત પોલીસના ગળે કેમ ઉતરી?
શું મનહર પ્લોટમાં ચાલતા કુટણખાના પર પોલીસે આંખ આડા કાન કરી ઢાંક પીછોડો કર્યો?
હૈદરાબાદની દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે પોલીસ સ્ટાફ પણ હચમચી ઉઠયો હતો અને નરાધમોના એન્કાઉન્ટર થતા હૈદરાબાદ પોલીસની કામગીરીની દેશભરમાં વાહ વાહ સાથે સાબાશી આપવામાં આવી છે ત્યારે રાજકોટના મનહરપ્લોટમાં બંગાળી યુવતીને બે દિવસ ગોંધી રાખી નશીલા પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોચ્યા બાદ મહિલા પોલીસ મથકના મહિલા ફોજદારે કંઇ કશુ બન્યું જ ન હોય તે રીતે સમગ્ર તપાસનું ફીંડલું વાળી કામાંધ સામે માત્ર અટકાયતી પગલાની કાર્યવાહી કરી સંતોષ માની આશ્ર્ચિય સજર્યુ છે.
મનહર પ્લોટમાં ગઇકાલે સાંજે એક યુવતી પોતાના પર દુષ્કર્મ આચરવામાં આવ્યાના આક્ષેપ સાથે નજીકની એક દુકાનમાં આવી મદદ માગી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી યુવતી અને તેનું શારીરિક શોષણ કરનાર યોગેશ નામના શખ્સને લઇ મહિલા પોલીસ મથકે પહોચ્યા હતા.
મહિલા પોલીસ મથકે આવેલી યુવતીએ પોતાને ફલેટ ભાડે રાખવા બાબતે યોગેશ નામના શખ્સના પરિચય પ્રિયા નામની મહિલાએ સંપર્ક કરાવ્યો હતો. ફલેટમાં એકલતાનો લાભ લઇ યોગેશે કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરી બે દિવસ ગોંધી રાખવામાં આવ્યાના બંગાળી યુવતીએ આક્ષેપ કર્યા હતા.
ત્યારે યોગેશે બંગાળી યુવતી અંગે કંઇ અલગ જ વિગતો પોલીસ સમક્ષ રજુ કરી યુવતી ચારિત્ર્ય અંગે ઘટ્ટસ્ફોટ કરતા સનસનાટી મચી ગઇ હતી. બંગાળી યુવતી આ પહેલાં પણ નવસારીમાં આ રીતે પકડાયાનું અને બે માસ સુધી જેલવાસ ભોગવી ચુકવી હોવાનો યોગેશે અને પ્રિયા દ્વારા પોલીસ સમક્ષ પ્રતિ આક્ષેપ કરી બંગાલી યુવતી અંગે કેટલાક અશોભનીય આક્ષેપ કર્યા હતા.
યોગેશ અને બંગાળી યુવતી વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે મનહર પ્લોટના લતાવાસીઓ દ્વારા કુટણખાનું ચાલતું હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યોગેશ બંગાળી યુવતીને દેહના સોદા માટે મકાનની સગવડ આપી કુટણખાનું ચલાવતો હોવાની તેમજ બંને વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો થયા સ્ફોટક વિગતો જાહેર કરી બંનેની પોલ ખુલી કરી નાખી છે.
બંગાળી યુવતીના દુષ્કર્મના આક્ષેપ અને યોગેશ દ્વારા તેણીના ચારિત્ર્ય અંગે થયેલા પ્રતિ આક્ષેપને મહિલા પોલીસ સ્ટાફે આંખ આડા કાન કરી યોગેશ સામે માત્ર અટકાયતી પગલા લઇ સંતોષ માની લીધો છે. મહનર પ્લોટના લતાવાસીઓના આક્ષેપ અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેમ હોવાનું અને પ્રિયા અને યોગેશ દ્વારા પોલીસ સમક્ષ શું છુપાવવામાં આવ્યું તે અંગેની પણ વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.