કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદા અંગે ભાજપ શાસિત રાજ્યોમાં અફવાઓ ફેલાવી અશાંતિ તેમજ અરાજકતાનો માહોલ ઊભો કરી રહી છે
નાગરિકતા સંશોધન કાયદા વિશે ભ્રામક પ્રચાર ફેલાવી ચોક્કસ સમુદાય વિશેષને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે વારંવાર કહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા લઈ લેવા માટેનો નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે, ભારતના કોઇપણ નાગરિકને આ કાયદો લાગુ પડતો નથી તેમ છતાં કોંગ્રેસ ઇરાદાપૂર્વક દુષ્પ્રચાર કરીને શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનું જઘન્ય કૃત્ય કરી રહી છે. સંવિધાન અને લોકશાહીની વાત કરનારી કોંગ્રેસ સંવૈધાનિક અને લોકતાંત્રિક પ્રક્રિયાથી બનેલા નાગરિકતા સંશોધન કાયદાને વોટબેંકની રાજનીતિ અને મતોનાં ધ્રુવીકરણ માટે અફવાઓ ફેલાવી અશાંતિ તેમજ અરાજકતાનો માહોલ ઊભો કરી રહી છે. હાલમાં કોંગ્રેસીઓનું એકમાત્ર લક્ષ્ય ચોક્કસ પ્રકાર ના લોકોને હાથો બનાવી ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું છે એવું લાગી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદાનો શાંતિપૂર્ણ વિરુદ્ધ ફક્ત એક બહાનું છે, કોંગ્રેસીઓ આ કાયદા અંગે ગેરસમજણ ઉભી કરી જનતાને હદબાર ભડકાવવા અને ભયભીત કરવાનાં નિમ્ન કક્ષા ના નિંદનીય કૃત્ય કરી રહ્યાં છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદો લોકોને નાગરિકતા આપવા માટેનો છે. આ કાયદો કોઈપણ વ્યક્તિ કે ધર્મનાં લોકોની નાગરિકતા રદ્દ કરવાનો કાયદો નથી. આ કાયદાનો ઉદ્દેશ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચા ઉત્પીડનનો શિકાર બનેલા અલ્પસંખ્યકો-શરણાર્થીઓ ને નાગરિકતા આપવાનો છે. પરંતુ કોંગ્રેસ માનવતા ભૂલી આ કાયદાનું અલગ ખોટું પ અર્થઘટન કરીને લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે. આ કાયદો નાગરિકતા આપવાનો કાયદો છે, કોઈની નાગરિકતા લઈ લેવાનો કાયદો નથી. આમ છતાં નાગરિકતા સુધારા કાયદાના વિરુદ્ધમાં અફવાઓ ફેલાવી કોંગ્રેસ અરાજકતા ફેલાવી રહી છે. ગુજરાત, દિલ્હી, બંગાળ, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનાં નેતાઓ અફવા ફેલાવી, જનતાને ગેરમાર્ગે દોરી આંદોલન કરાવી રહી છે અને બાદમાં આ આંદોલન દરમિયાન હિંસાઓ ભડકે અને તોફાનો થાય તેવા કૃત્યો કોંગ્રેસ રચી રહી છે. જે ખૂબ જ નિંદનીય અને શરમજનક છે. અમદાવાદ અને વડોદરા માં થયેલી હિંસા પાછળ પણ કોંગ્રેસનો જ હાથ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસે આ પ્રકારનું ગંદુ રાજકારણ બંધ કરી ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિ-સદભાવ જળવાઈ રહે તે માટેનાં પ્રયાસો કરવા જોઈએ. હાલ કોંગ્રેસ જે પ્રકારની ભાગલાવાદી જાતિગત રાજનીતિ રમી રહી છે તે દેશનાં રાજકારણને બદનામ કરનારી છે.