ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ‘નાગરિકતા સંશોધન એકટ ’ વિશે ભ્રામક પ્રચાર કરી ગુજરાત સહિત દેશભરમાં એક ચોક્કસ સમુદાય વિશેષ સમક્ષ કાયદાનું ખોટું અર્થઘટન કરીને સમુદાયને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે જે ખુબ જ નિંદનીય અને શરમજનક છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, સંવિધાન અને લોકશાહીની વાત કરનારી કોંગ્રેસ સંવૈધાનિક અને લોકતાંત્રિક પ્રક્રિયાથી બનેલા કાયદા ‘સીએએ’ને વોટબેંકની રાજનીતિ અને મતોનાં ધ્રુવીકરણ માટે તેનો ભ્રામક દુષ્પ્રચાર કરી દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરી રહી છે. ગુજરાત સહિત કોંગ્રેસના દેશભરના આગેવાનો જનતાને ગેરમાર્ગે દોરનારા ઉશ્કેરણીજનક નિવેદનો સોશિયલ મીડિયામાં આપી રહ્યાં છે. ગુજરાતમાં પણ એક સમુદાયને ભડકાવવાના પ્રયાસ, પલીતો ચાંપવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે.કોંગ્રેસ પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે ગુજરાતમાં શાંતિ-ભાઈચારાના માહોલને બગાડી કોમકોમને લડાવવાના પ્રયાસ કરી રહી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે વારંવાર કહ્યું છે કે, ‘સીએએ’ કાયદો નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે, ભારતના કોઇપણ નાગરીકને આ કાયદો લાગુ પડતો નથી તેમ છતાં કોંગ્રેસ દુષ્પ્રચાર કરીને સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ ને ડહોળવાનું શરમજનક કૃત્ય કરી રહી છે.
વાઘાણીએ સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કાર્યરત એવા પોલીસ જવાનો પર તેમજ પોલીસ વાહનો પર હુમલાઓ અને પથ્થરમારો થવાની ઘટનાને વખોડી કાઢી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. વાઘાણીએ જનતાને અફવાઓમાં આવ્યા સિવાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં જાળવી રાખવા માટે પોલીસ સહિત વહીવટી તંત્રને સાથ અને સહકાર આપવાની અપીલ કરી હતી.