લોકોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી: પવનનું જોર ઘટવાનાં કારણે લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચકાયો
રાજયનાં કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે જેનાં કારણે કડકડતી ઠંડીમાં પણ નજીવી ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન ઠંડો પવન ફુંકાતો હતો તે છેલ્લા બે દિવસથી બંધ થયો છે પરંતુ હજુ મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉતર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાનાં કારણે ઠંડો પવન ફુંકાતા રાજયમાં ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો હતો. રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી જોવા મળ્યું હતું અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી ગીરનાર પર્વત પર ૭.૨ ડિગ્રી જોવા મળી હતી.
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થવાનાં કારણે બે દિવસ અગાઉ સમગ્ર ગુજરાત રાજય સહિત રાજકોટ જિલ્લામાં પણ લઘુતમ તાપમાનનો પારો નીચે પટકાયો હતો. હિમવર્ષાનાં કારણે ઠંડા બફીલા પવનો ગુજરાત તરફ ફુંકાવાનાં કારણે ઠંડીનું જોર વઘ્યું હતું. ખાસ કરીને પવનની તેજ ગતિનાં કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં શીતલહેર ફરી વળતા જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા જોકે છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર નરમ પડતા લોકોએ ઠંડીમાંથી આંશિક રાહત અનુભવી છે. ઠંડીનું જોર ઘટવાનાં કારણે લઘુતમ તાપમાનનો પારો ઉંચો ગયો છે જોકે મોડે સાંજથી વહેલી પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા દવાખાનામાં શરદી, તાવ, ઉધરસ સહિત વાયરલનાં કેસોમાં વધારો નોંધાયો છે. મોડે-મોડે પણ ઠંડીની શરૂઆત થતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે અને ખેડુતો દ્વારા પોતાનાં ખેતરોમાં રવિ પાક લેવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૨૩મી ડિસેમ્બરનાં રોજ રાજયનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હજુ આવતીકાલ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે જોકે ત્યારબાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.