અમદાવાદ-ગુજરાતના અને દેશભરનાં આ તોફાનો આખા દેશને, તોફાનો, હુલ્લડોની હિંસક લપેટમાં લઈ લેવાની જામગરી ધરાવે અને સરકાર કોમી હુલ્લડોની સંભાવના સામે એલર્ટ રહેવું પડે તેમ છે.
આખા દેશમાં નાગરિકતા સુધારાનાં પગલાની વિરૂધ્ધ હિંસાખોરી અને હુલ્લડોની ઘટનાઓ ફરી વળી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતનાં છે. અમદાવાદ ગુજરાતનું નાક, અર્થાત આબરૂ મનાય છે.
અમદાવાદ અને ગુજરાતમાં અનેક સ્થળોએ નવા નાગરિકતા ધારાના વિરોધમાં પ્રચંડ હિંસાખોરીની આગ ભભૂકી છે.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે, જયાં તેઓ મુખ્યમંત્રી તરીકે શાસન ચલાવી ચૂકયા છે.
અમદાવાદનાં તોફાનોમાં મુસ્લીમોની પૂરેપૂરી ભૂમિકા હોવાનો ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. અને તેમાં રહસ્યના આટાપાટાની ગંધ આવે છે. તેમણે આ રીતસર નાગરિકતા-સુધારા ખરડાને સાકળીને તીવ્ર વિરોધની દિવાસળી ચાંપી છે.
આ હિંસાખોરી અમિત શાહના ગૃહપ્રધાન પદની અગ્નિપરીક્ષા સમી બને તેમ છે. અને મુખ્યપ્રધાન પદ સામે છૂપા રૂસ્તમો ડોળા ફાડી રહ્યા હોવાનું પ્રતિબિંબ પણ આ તોફાનોમાં ઉપસી આવે છે! રાજકીય વર્તુળો આ મામલાનાં ઉકેલમાં ગોટે ચડયા હોવાનું પણ ખૂલે છે.!
પોલીસને પરિસ્થિતિ થાળે પાડવા અને પથ્થરમારો કરતાં તોફાની તત્વોને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડવાની પણ ફરજ પડી હતી. ગોધરાકાંડના તોફાનો બાદ ૧૭ વર્ષ પછી શહેરની શાંતિ ફરી એક વખત ડહોળાઈ હતી, જેને લઈ મોડી સાંજ સુધીમાં શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોમાં ડર અને ફફડાટની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે, પોલીસે તાત્કાલિક કડક હાથે કામ લઈ તોફાની તત્ત્વોને કાબૂમાં લીધા હતા અને અનેક તોફાની તત્ત્વોની અટકાયત પણ કરવામાં આવી હતી. હિંસાની ઘટનાઓ બાદ મોડી સાંજે શહેરમાં જમાલપૂર, રખિયાલ, લાલદરવાજા, શાહઆલમ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં કેટલીક બસોના રૂટ રદ કરવાની ફરજ પડી હતી. સીએએના વિરોધમાં આજે અલ્પસંખ્યક અધિકાર મંચ સહિતના મુસ્લિમ સંગઠનો અને સંસ્થાઓના આગેવાનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવાની સાથે સાથે એક રેલીનું આયોજન કરાયું હતું પરંતુ પોલીસે રેલીને મંજૂરી આપી ન હતી. જો કે, અમદાવાદ સહિત ગુજરાતભરમાં બંધના એલાનને બહુ સફળતા મળી ન હતી પરંતુ મુસ્લિમ વિસ્તારોમાં સીએએનો વિરોધ સ્પષ્ટ રીતે સામે આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં બપોર પછી પરિસ્થિતિ વણસી હતી. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓને અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.
આ હિંસાખોરીના સમાચારમાં ભેદ ભરમનો ઘટસ્ફોટ કરતો અહેવાલ દર્શાવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની તત્વો મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદનાં શાહઆલમ, જમાલપુર, મીરઝાપુર તથા લાલ દરવાજામાં પણ તોફાની તત્વોએ પરિસ્થિતિને કાબુમાં લેવા ગયેલી પોલીસ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. શાહઆલમમાં તો મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા. આ પથ્થરમારામાં એક મહિલા પોલીસકર્મી પણ ઘવાયા હતા. જયારે અન્ય એક પોલીસ જવાનનું માથુ ફાટી ગયું હતું. તોફાની તત્વોએ પોલીસવાન અને પોલીસજીપને ટાર્ગેટ કરી તેની પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે પરિસ્થિતિ ભયંકર રીતે વણસી હતી. જોકે બાદમાં પોલીસે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફલેગમાર્ચ અને પેટ્રોલીંગ અને સુરક્ષા બંદોબસ્ત વધારી દઈ પરિસ્થિતિમાં કાબુમાં લીધી હતી. જોકે, શહેરમાં આજે સૌપ્રથમવાર પોલીસને ટાર્ગેટ કરી મોઢે રૂમાલ બાંધી કાશ્મીર સ્ટાઈલથી પથ્થરમારો થતા બહુ મોટા અને ગંભીર સવાલો માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ઉઠી રહ્યા છે કે, પોલીસ પર પથ્થરમારો કરવા માટે આટલી મોટી સંખ્યામાં પથ્થરો આવ્યા કયાંથી, હિંસાનું કાવતરું પૂર્વ આયોજિત હતું કે શું અને તોફાની તત્વોને આ પ્રકારે પોલીસ પથ્થરમારો કરવા માટે કાશ્મીર સ્ટાઈલમાં પૈસા ચુકવાયા હતા કે કેમ તે સહિતનાં અનેક ગંભીર અને સળગતા સવાલોને લઈ પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
આ બધું જોતાં અમદાવાદ-ગુજરાતનાં તોફાનોમાં કોમી સમખાણોની સંભાવના દ્રષ્ટિગોચર થાય છે.
આના પડઘાં ભારતની અંદર પૂરતા મર્યાદિત ન પણ રહે, ને ભારતની બહાર પણ વિસ્તરવાનો ખતરો દર્શાવે છે.
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ભારતની મુરાદ છે અને એના પહેલા ચરણસમો આ પ્રયોગ છે એવી મુસ્લીમોની દહેશતનું આમાં પ્રતિબિંધ છે.
ભારત માટે અને અમિત શાહ માટે આ તોફાનો ચેતવણી રુપ બની શકે છે. જો ભારતના આ ઘટના અંગે જલદ પગલાં નહિ લેતો આ મામલો કાબુ બહાર જશે એમ લાગ્યા વિના રહેતું નથી.
એશિયાના અન્ય મુસ્લીમ દેશોનેએ ભડકાવી શકે છે?