વાનીના મોતને એક વર્ષ પુરુ થતા આતંકીઓ મોટો હુમલો કરે તેવી ભીતિ
કાશ્મીરમાં છેલ્લા અમુક મહિનાથી સતત અશાંતિ ફેલાઈ રહી છે અને સુરક્ષા દળો તેમજ પોલીસ ઉપર આતંકી હુમલા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હીઝબુલના કમાન્ડર બુરહાનવાનીના મોતને એક વર્ષ પુરા થવાનું છે ત્યારે કાશ્મીરમાં આતંકી હુમલો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી હોવાથી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. કાશ્મીરમાં વાનીના મોત બાદ સતત તંગદિલી છવાઈ છે. એક વર્ષથી આતંકવાદીઓ પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. જેના પરિણામે સુરક્ષા દળોને છુટો દૌર આપી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૨૦૧૭ના જુલાઈ માસ સુધીમાં કુલ ૯૨ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
વાનીના મોતને એક વર્ષ પુરુ થયું હોવાથી આતંકીઓ કોઈ મોટો હુમલો કરીને બદલો લેવાની ફિરાકમાં હોવાનું જાસુસી સંસ્થાઓએ અગાઉ કહ્યું હતું. આ ભીતિના પગલે કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં કરફયુ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાને સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. જેથી આતંકી તત્વો મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા યુવાનોને ઉશ્કેરી ન શકે. વધુમાં વાનીના મુળ ગામ ત્રાલમાં મોટાપાયે સુરક્ષા દળોને ઉતારી દેવામાં આવ્યા છે અને અલગતાવાદીઓની તમામ હરકતો ઉપર પણ નજર રાખવામાં આવી છે.