મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કર્યાનો ઉલ્લેખ છે, તે પછી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સૌપ્રથમ વાર લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાના આંગણે યોજાઇ રહ્યો છે. જે બુધવારથી શરૂ થઇ રવિવાર સુધી પાંચ દિવસ ચાલશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અને મહાયજ્ઞના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં ભારત અને વિશ્વભરમાં વસતા પાટીદારો સહિત અઢારે વર્ણના લોકો થનગની રહ્યા છે. તો ઊંઝાવાસીઓ ડબલ હરખથી મા અમે તૈયાર છીએના જયઘોષ સાથે સત્કારવા તત્પર બન્યા છે. આ મહોત્સવમાં 50 લાખથી વધુ ભક્તો પધારવાનો અંદાજ છે.
આ મહોત્સવ પૂર્વે મંગળવારે સવારે લક્ષચંડી મહાયજ્ઞના 108 મુખ્ય યજમાનોની દેહપ્રાયશ્ચિત વિધિ વૈજનાથ મંદિરે કરાઇ હતી. બપોરે પાઠશાળા ઉમિયા બાગથી યજ્ઞશાળા ઉમિયાનગર સુધી અખંડ જ્યોત સાથે મંડપ પ્રવેશ પૂજાવિધિ યોજાઇ હતી. તો બિયારણ ભરેલા 15 હજાર બલૂન એકસાથે આકાશમાં ઉડાવી તેમજ માના સામુહિક જય જય કારનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં કિર્તિમાન અંકિત કરાયો હતો.
લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. સવારે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ મહોત્સવને ખુલ્લો મૂકી આશીર્વચન પાઠવશે. તો સાંજના રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યોની હાજરીમાં સાંસ્કૃતિક મહોત્સવ ખુલ્લો મુકાશે. મહોત્સવને લઇ તમામ તૈયારીઓ મંગળવારે પૂર્ણ થઇ ચૂકી છે.