૨૦૦૭માં કટોકટી લાદવા બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમાં પાકિસ્તાનની વિશેષ કોર્ટે આપ્યો ચોંકાવનારો ચુકાદો
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને વિશેષ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પાક. લશ્કરના પૂર્વ વડા હાલ દુબઈમાં છે અને તેમના વિરુદ્ધ દેશમાં ૩ નવેમ્બર ૨૦૦૭માં કટોકટીની સ્થિતિ લાદવાનો આરોપ છે. ૨૦૧૩માં પરવેઝ મુશર્રફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ વિશેષ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. પાક.ની વિશેષ કોર્ટના જસ્ટિસ વકાર અહેમદ શેઠની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેન્ચે ૨-૧ના બહુમતથી મુશર્રફને ફાંસની સજાનો ચુકાદો આપ્યો છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની અગાઉની સરકારે ૨૦૧૩માં પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. મુશર્રફ પર કટોકટી લાગુ કરવાનો આરોપ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુશર્રફ ૨૦૧૬માં પાકિસ્તાનથી દુબઈ ભાગી ગયા હતા ત્યારબાદ તેમની વિરુદ્ધ સુનાવણી અટકાવવી પડી હતી. મુશર્રફ પાકિસ્તાન પરત ફરવાની પ્રતિબદ્ધતા સાથે ૧૮ માર્ચ ૨૦૧૬ના સારવાર માટે દુબઈ રવાના થયા હતા. ત્યારબાદ થોડા સમયમાં વિશેષ કોર્ટે તેમને ભાગેડું જાહેર કર્યા હતા અને તેમને આજરોજ રાજદ્રોહના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોર્ટે લીધેલું આ સૌથી આકરું પગલું છે.
અગાઉ ત્રણ જજોની બેન્ચે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે દેશદ્રોહના કેસમાં ૧૭ ડિસેમ્બરના ચુકાદો જાહેર કરાશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે દુબઈમાં રહેલા મુશર્રફ અને પાકિસ્તાન સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા વિશેષ કોર્ટને ૨૭ નવેમ્બરના ચુકાદો આપવા સામે રોક લગાવી હતી.
ગત સપ્તાહે વિશેષ કોર્ટે ૭૬ વર્ષના મુશર્રફને દેશદ્રોહના કેસમાં પાંચ ડિસેમ્બરના નિવેદન નોંધાવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ દુબઈ સ્થિત પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિએ સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ બીમાર છે અને સ્વદેશ પર ફર્યા બાદ નિવેદન નોંધાવશે. મુશર્રફ એક દુર્લભ પ્રકારની બીમારી એમિલોઈડોસિસથી પીડાઈ રહ્યા છે. આ બીમારીને લીધે તેમના અંદર વધેલું પ્રોટીન શરીરના અંગોમાં જમા થાય છે. હાલ તેમની દુબઈમાં સારવાર ચાલી રહી છે.