રેલવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ: જાન્યુઆરીના અંત સુધીમાં કામ શરૂ ાય તેવી સંભાવના
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત નાના મવા અને ટાગોર માર્ગન જોડતા લક્ષ્મીનગરના નાલા પાસે અંડરબ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા આજે રેલવે વિભાગમાં રૂા.૨૪.૯૧ કરોડ જમા કરાવી દેવામાં આવ્યા છે. રેલવે દ્વારા આ કામ માટે ટેન્ડર પણ પ્રસિધ્ધ કરી દેવાયું છે. તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ આમ્રપાલી રેલવે ફાટક પાસે અંડરબ્રિજ અને હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયેન્ગર બ્રિજ બનાવવાનું કામ ગતિમાં છે ત્યારે નાના મવા અને ટાગોર રોડને જોડતા લક્ષ્મીનગરના નાલા પાસે અંડરબ્રિજ બનાવવામાં આવશે. આ કામ માટે રેલવે વિભાગને મહાપાલિકા દ્વારા ડિપોઝીટ વર્ક પેટે આજે રૂા.૨૪.૯૧ કરોડ જમા કરાવી દેવામાં આવ્યા છે અને રેલવે વિભાગ દ્વારા ટેન્ડર પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડરની મુદત ૧૦મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. સંભવત: જાન્યુઆરીના અંત સુધીમાં બ્રિજના નિર્માણ કામનો આરંભ થઈ જાય તેવી શકયતા પણ જણાય રહી છે.
શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે કે.કે.વી ચોક ખાતે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું ટેન્ડર ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. નાના મવા સર્કલ, રામાપીર ચોકડી, જામનગર રોડ પર સાંઢીયા પુલ, કેશરીહિંદ પહોળો કરવા, કોઠારીયા સોલ્વન્ટ રેલવે ક્રોસીંગ પર બ્રીજ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. આટલું જ નહીં શહેરના અલગ અલગ રાજમાર્ગો પર બ્રિજ બનાવવા માટે રૂા.૩૭૬ કરોડની ગ્રાન્ટ મેળવવા માટે ટૂંકમાં રાજ્ય સરકારના મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીનગરના નાલુ ખુબજ સાંકળુ હોવાના કારણે અહીં ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય વરસાદમાં પણ નાલામાં પાણી ભરાઈ જતું હોવાના કારણે રસ્તો બંધ થઈ જાય છે. અંડરબ્રિજના નિર્માણ બાદ આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવી જશે.