વિદ્યાર્થીઓને સાથે રાખી એનએસયુઆઈએ કુલપતિને કરી રજુઆત
જે ભણાવ્યું નથી તે પેપરમાં પુછાયું હોવાનો વિદ્યાર્થીઓનો દાવો: ૨૦૧૮માં પુછાયેલુ બેઠેબેઠું પેપર પૂછાયું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએસ.સી સેમ-૧ના મેથેમેટિક્સ વિષયના એલઝીબ્રાના પેપરમાં કોર્ષ સિવાયનું પુછાયું હોવાનું છાત્રોએ આક્ષેપ કર્યો હતો અને એનએસયુઆઈ સાથે રહી કુલપતિ સમક્ષ રજૂઆત કરાઈ હતી અને પેપર ફરીથી લેવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએસ.સી સેમ-૧ મેથેમેટિક્સની આજથી પરીક્ષા શરૂ થઈ છે જો કે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા સ્વરૂપ કોર્ષ બહારનું પુછાયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપર લખ્યું જ નહતું અને કોરું પેપર છોડી પરીક્ષા કેન્દ્ર ની બહાર ચાલ્યા ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એનએસયુઆઈને રજુઆત કરતા એનએસયુઆઈના નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોને સાથે રાખી કુલપતિ સમક્ષ પહોંચ્યા હતા અને ત્યારે વિદ્યાર્થીઓએ કુલપતિ નિતીન પેથાણી સમક્ષ જણાવ્યું હતું કે, જે ભણાવામાં આવ્યું નથી તે પેપરમાં પુછાયું હતું જેથી પેપર ફરીથી લેવા માટે માંગ કરવામાં આવી હતી. દરમિયાન કુલપતિએ જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટીમાં ડિન મેહુલ રૂપાણી અને ચેરમેન સાથે વાત થઈ ચૂકી છે. વેબસાઈટ પર જે સિલેબસ મુકાયો છે તે પ્રમાણે જ પેપર કાઢવામાં આવ્યું છે.
જોકે વિદ્યાર્થીઓ એમ કહે છે કે જે ભણાવ્યું છે તે સીવાયનું પૂછવામાં આવ્યું છે ત્યારે કોલેજો અને ભવનના અધ્યક્ષની પણ પુછપરછ થશે અને વિદ્યાર્થીઓને જે ભણાવ્યું નહીં હોય અને પેપરમાં પૂછાયું હશે તો છાત્રોની તરફેણમાં નિર્ણય લેવાશે.