રેસકોર્સમાં ગીતા જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ: શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરાયું: કાલે રાત્રે રાસોત્સવ
દાસીજીવણ સત્સંગ મંડળ, રાજકોટ અને પોરબંદરનાં સાંસદ રમેશ લવજીભાઈ ધડુકના પરિવાર દ્વારા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૫ થી ૨૧, ડિસે.ના સાત દિવસ સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન થયું છે. કડી-અમદાવાદના વિદ્વાન વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદય દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞમાં શ્રીમદ ગીતાનું રસપાન કરાવી રહ્યા છે.
ગઈકાલ રવિવારે પ્રથમ દિવસે કથા પ્રારંભ પૂર્વે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોપર ફરી હતી, ઠેર ઠેર લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને સ્વાગત કર્યું હતુ. બહેનો, ભાઈઓની રંગબેરંગી પોષાકમાં રાસ મંડળીઓ, કેસરી ધજા ફરકાવતા બુલેટ મોટર સાયકલ સવાર યુવાનો, ઘોડેશ્ર્વારો, વિવિધ બગીઓ, ફલોટસ સહિતથી શોભતી ભવ્ય શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સાંજે શોભાયાત્રાનું કથાસ્થાને સમાપન થતા પ્રથમ દિવસની કથા પૂર્વે આયોજનના મહાજન રમેશભાઈ ધડુક પરિવારના વિઠ્ઠલભાઈ ધડુક, નેમીષભાઈ ધડુક, સમગ્ર ધડુક પરિવાર, શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્ના, ભુપેન્દ્રભાઈ છાંટબાર, આયોજનના પ્રચાર ઈન્ચાર્જ, રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ ગજજર, સૂર્યકાંતભાઈ વડગામા, અલ્પેશભાઈ ખંભાયતા, પોપટભાઈ ભાલાળા, વિનુભાઈ ડેલાવાળા વગેરેએ સામૂહિક દિપ પ્રાગટય કરીને પૂ.જેજેનેમાલ્યાર્પણ કરી હતી. રમેશભાઈ ધડુક પરિવારના બહેનોએ ગીતાપૂજન, આરતી કરી હતી. પ્રથમ દિવસની કથામાં ઉપસ્થિત રહેલા કડી-અમદાવાદના પૂ. જયદેવલાલજી મહોદય અને રાજકોટના રૂષિરજી મોહદય શ્રોતાઓને પ્રેરક વચનામૃતનો લાભ આપ્યો હતો. સમજદારો માટે ગીતાજ્ઞાન અમૃત સમાન છે. ગીતા માનવીને યોગ્ય દિશા બતાવનારી છે. વર્તમાન સમયના માનવીને ગીતાના માર્ગ ઉપર ચાલવું અતિ જરૂરી છે. માનવી ગીતાનું મહાત્મ્ય સમજશે તો જ કૃષ્ણ ભકિતનો ઉદય થશે.
ભગવદ્ ગીતાનું સાંપ્રત સમયમા જ્ઞાન અને અનુસરણ જરૂરી હોવાનું જણાવતા પૂ. દ્વારકેશલાલજીએ કહ્યું કે, ગીતા વિશ્ર્વાસનો ગ્રંથ છે, તેના ઉપર હાથ રાખીને કોઈ ખોટું નહિ બોલે ભગવદ્ ગીતા વિશે વર્તમાન હિન્દુ સમાજ ઓછુ જાણે છે, એટલે હું શંખનાદ કરીને જગાડવા આવ્યો છું ગીતા પ્રમારિક અને અદ્ભૂતગ્રંથ છે, આ કોઈ સંપ્રદાયનો નહિ, માનવ માત્રનો ગ્રંથ છે.
પ્રથમ દિવસની કથાના વિરામ તરફ જતા પૂ. દ્વારકેશબાવાએ કહ્યું કે ભગવતગીતા માનવતાથી વૈષ્ણવતા સુધીની યાત્રા છે. અર્જુન કરતાં આજે આપણે બધાને ગીતાજ્ઞાનની વધુ જરૂર છે.દિલમાં કૃષ્ણ, દિમાગમાં ગાંધી અને હાથમાં ગીતા હશે તો જરૂર ભારત વિશ્ર્વગૂરૂ બનશે, આજે દરેકના ઘરમાં ભગવદ્ ગીતા હોવી જરૂરી છે.
વ્રજદર્શન પ્રદર્શન
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં તા.૧૫થી ૨૧ ડિસેમ્બરના સાત દિવસ દરમ્યાન યોજાયેલ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞમાં કથામંડપની બાજુમાં રંગબેરંગી શણગાર અને રાત્રે મેઘ ધનુષી પ્રકાશમાં શોભતા વિશાળ ડોમમાં વ્રજદર્શન-પ્રદર્શન વિવિધ રાજયોના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણની ચરણરજ આજે પણ જયાં વિદ્યમાન છે એવી પવિત્ર અને પૂણ્યશાળી ભૂમિ વ્રજની આબેહુબ ઝાંખી કરાવતા અતિ દર્શનીય પ્રદર્શનમાં જતીપૂરા, ગિરીરાજજીની પરિક્રમાનો માર્ગ, યમુનાજીના લાઈવ દર્શન, બરસાના, રાધામંદિર, બાંકેબિહારી મંદિર, મથુરા, કૃષ્ણની જન્મભૂમિ ગોકુલમાં નંદરાયજીનો મહેલ, કૃષ્ણની બાળલીલા અને ગૌચરલીલાઓનાં દ્રશ્યો જોઈને ભાવિકો આનંદીત થશે પ્રદર્શન સવારના ૧૦ થી રાત્રીના ૧૦ સુધી નિહાળી શકાશે.
આનંદમય વાતાવરણમાં કથાનો શુભારંભ: રમેશ ધડુક
રમેશભાઈ ધડુકએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજથી કથાનો શુભારંભ થયો છે. શોભાયાત્રા નીકળી હતી અને વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો હતો. બધા નાચ્યા ઝુમ્યા હતા. અને દ્વારકેશલાલજી મહારાજના મુખે ગીતાજી પર કથા શરૂ થઈ ખૂબ આનંદમય વાતાવરણ બન્યું છે અને ખુબ લોકો આનંદમાં કથાનો લાભ લેતા હતા.