હેટમાયર અને હોપની ધમાકેદાર ઈનિંગ્સે વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી જીતની આશા વધારી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સીરીઝના પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને પરાજય આપ્યો હતો. ગઈકાલની આ મેચમાં ભારતની બોલીંગની નબળાઈ છતી થઈ હતી. સામાપક્ષે વેસ્ટ ઈન્ડિઝના સાઈ હોપ તેમજ હેટમેરની ધમાકેદાર બેટીંગના કારણે ભારતીય બોલીંગની નબળાઈ સામે આવી હતી. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવ્યા બાદ ત્રણ મેચની આ સીરીઝમાં ભારત જીતી શકશે કે નહીં તે મુદ્દે સવાલ ઉઠી રહ્યાં છે.
વેસ્ટ ઈન્ડિઝ ભારતને પ્રથમ વન-ડેમાં ૮ વિકેટે હરાવ્યું હતું. ભારતની ટીમે પ્રથમ બેટીંગ કરતા ૮ વિકેટના ભોગે ૨૮૭ રન ફટકાર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ૪૭.૫ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઈઝ કર્યો હતો.
ચેન્નાઈના ચેપક મેદાનમાં ટાર્ગેટ ચેઈઝ કરવા મામલે આ સૌથી મોટી જીત છે. ટાર્ગેટની પાછળ ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો પ્રારંભ સારો નહોતો. ઓપનર એમ્બ્રીઝ ૯ રને આઉટ થયો હતો. ત્યારબાદ હેટમેર અને હોપએ બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે ૨૦૮ બોલમાં ૨૧૮ રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ જીત નિશ્ર્ચિત કરી હતી. ભારત સામે સટાસટી બોલાવનાર હેટમેરની ગઈકાલે પાંચમી સદી નોંધાઈ હતી. ભારત સામે તેની બીજી સદી નોંધાઈ હતી. બીજી તરફ હોપએ પણ આઠમી સદી ફટકારી હતી. સામે બીજો ખેલાડી પુરન ૨૯ રન કરી અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ૨ વિકેટ ગુમાવી ૪૭.૫ ઓવરમાં ભારત સામે જીત મેળવી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટીંગની શરૂઆત પણ સારી નહોતી. સાતમી ઓવરમાં રાહુલ અને કોહલીની વિકેટ પડી હતી. રાહુલ ૬ રને અને કોહલી માત્ર ૪ રને આઉટ થયો હતો. જો કે, ઐયર અને રોહિતે અનુક્રમે ૭૦ તથા ૩૬ રન ફટકારી બાજી સંભાળી હતી. એકંદરે ભારતીય ક્રિકેટરો ક્રિઝ પર લાંબા સમય માટે ટકી શકયા નહોતા. પંતે ૬૯ બોલમાં ૭૧ રન નોંધાવ્યા હતા.