રાજકોટ પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા અને હાઈબોન્ડ ગ્રુપનાં અરવિંદભાઈ પાણે કરાવ્યું પ્રસ્થાન: પ્રસ્થાન વેળાએ
નાથાભાઈ કાલરીયા, જમનભાઈ ભાલાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, કિશોરભાઈ ઘોડાસરા, મનિષ ચાંગેલા સહિતનાં સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ
ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ન ભુતો, ન ભવિષ્યતિ એવા આ મહાયજ્ઞનો બુધવારથી શુભારંભ થવા જઈ રહ્યો છે. યજ્ઞ શરૂ થવાના દિવસો પૂર્વે જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા તથા મહોત્સવ માણવા ઉંઝા ભણી રવાના થવા લાગ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને લઈ વિવિધ ધાર્મિક પ્રસંગો પણ ઉજવાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ૧૧૮ સાયકલ યાત્રિકોએ રાજકોટથી ઉંઝા પ્રસ્થાન કર્યું હતું. જાણિતી સામાજિક સંસ્થા ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયાજી યાત્રા સંઘ દ્વારા સાઈકલ યાત્રાનું આયોજન કરાયું હતું.
રાજકોટથી ઉમિયાધામ-ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞનો લાભ લેવા ૧૧૮ સાયકલ યાત્રિકો રવિવારે સવારે ૭ વાગ્યે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, અમીન માર્ગથી રવાના થયા હતા. જેમને રાજકોટ પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા અને હાઈબોન્ડ સિમેન્ટનાં અરવિંદભાઈ પાણે (હાઈબોન્ડ ગ્રુપ, એગ્રી એક્ષપોર્ટ) લાલ ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ. સાથો સાથ સાયકલ યાત્રિકોની સાથે જ પગે ચાલીને રમાબેન ભાણજીભાઈ સંતોકી રાજકોટથી ઉંઝા રવાના થયા છે. રમાબેન ૨૦૦૯માં ઉમિયા મહોત્સવમાં આજ સાયકલ યાત્રિકોની સાથે પગપાળા ઉંઝા ગયેલા હતા.
આ સાયકલ યાત્રિકોની સાથે ઉમિયા યુવા સોશિયલ ગ્રુપનું કિર્તન મંડળ સાથેની ટીમ જોડાઈ છે. પ્રસ્થાન વેળાએ પટેલ સેવા સમાજ રાજકોટનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા (ફિલ્ડ માર્શલ), અરવિંદભાઈ પાણ (હાઈબોન્ડ ગ્રુપ, એગ્રી એક્ષ્પોર્ટ), નાથાભાઈ કાલરીયા, જમનભાઈ ભલાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, કિશોરભાઈ ઘોડાસરા, મનિષ ચાંગેલા, રમેશભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરીયા, સુરેશભાઈ કણસાગરા, ગોવિંદભાઈ સવસાણી, રૂદ્રાસ એપાર્ટમેન્ટનાં સુરેશભાઈ ચાપાણી તેમજ તેમનું મંડળ ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપનાં અશોકભાઈ દલસાણીયા, હરિભાઈ કલોલા, મહેશભાઈ ભુવા, ગોરધનભાઈ કણસાગરા, જયંતિભાઈ મારડિયા સહિતનાં કાર્યક્રમનું સંચાલન સી.એન.જાવિયાએ કરેલ હતું.
પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી તથા કારોબારી મંડળની મીટીંગ મળી
રાજકોટ પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી અને કારોબારી મંડળના સભ્યોની મીટીંગ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મળી હતી.જેમાં સમાજના ઉત્થાન, વિકાસ માટેની ચર્ચા અને ઠરાવો થયા હતા સાથો સાથ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ન્યુ લોન્ચિંગ કડવા પાટીદાર સમાજની વિશ્ર્વ ઉમિયા સુરક્ષા કવચની સ્કીમ અને સમાજના માધ્યમથી અમરેલી, સૌરાષ્ટ્રભરમાં કરવા નકકી કરાયું અને સીટી મેમ્બર બનાવવાનું આયોજન કરાયુ છે.
‘ર્માં અમે તૈયાર છીએ…’
ર્માં ઉમાના નામની મહેંદી મુકાવતી ૭૦૦૦ બહેનો
ઉંઝા ખાતે મંગલ ઘડીના પડધમ વાગી રહ્યા છે. બુધવારથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થનાર છે. તેને વધાવવા સમસ્ત કડવા પાટીદારો જોમ અને જુસ્સાભેર ભકિતભાવ પૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે ગઈકાલે ઉંઝા ખાતે ૭૦૦૦થી વધુ બહેનોએ ‘ર્માં અમે તૈયાર છીએ’ મા ઉમાના નામની મહેંદી મુકાવી ખુશી પ્રગટ કરી હતી.
આ દિવ્ય પ્રસંગે સાંસ્કૃતિક કમિટીના સથવારે ઉંઝાના ઐઠોર રોડ પર કેવલેશ્ર્વર મહાદેવના મંદિર પરિસરમાં ૭૦૦૦થી વધુમહિલાઓ, યુવતીઓ, બાળાઓએ હાથ પર મહેંદી મુકાવી હતી. આ ઉપરાંત કળશ તેમજ યજ્ઞકુંડના લોગોની મહેંદી મુકાવી ઉમિયા માતાજીનો જયજયકાર કર્યો હતો. મહેંદી કાર્યક્રમ ગઈકાલે બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી ચાલ્યો હતો. અને ૭૦૦૦ થી વધુ કોન મહેંદી મુકવા વપરાયા હતા.
ઉમિયા કેમ્પસના વિકાસ માટે ૨૫ લાખનું દાન આપતા ફિલ્ડમાર્શલ ગ્રુપના અરવિંદભાઈ પટેલ
રાજકોટ પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) દ્વારા ઉમિયા કેમ્પસના વિકાસ માટે ૨૫ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું છે.
જેઓ આગામી ૧૮મીથી શરૂ થનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો લાભ લેવા જનાર છે. તથા આ મહોત્સવમાં હાજરી આપી ઉત્સવને ચાર ચાંદ લગાડશે. જેઓએ ઉમિયા કેમ્પસના વિકાસ માટે રૂ.૨૫ લાખનું માતબર અનુદાન આપતા ચારેકોરથી અભિનંદન મળી રહ્યા છે.
બુધવારે જગદગુરૂ શંકરાચાર્યનું સામૈયું; ભવ્ય શોભાયાત્રા નીકળશે
ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી પધારનાર છે. જેનું ભવ્ય સામૈયું બુધવારે સવારે ૯ કલાકે કરવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પરમશ્રધ્ધેય અનંત વિભૂષિત ઉત્તરાય જયોતિષપીઠાધીશ્ર્વર-દ્વારકા શર્દાપીથાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સાથે સંતો, ધર્મ ભકતો, ‘લક્ષચંડી મહાયજ્ઞ’ મહોત્સવના કર્ણધારી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના હોદેદારો, કમીટી સભ્યો, સ્વયં સેવકો અને માથે કળશ અને શ્રીફળ ધારણ કરેલ નારીશકિત સમાન દીકરીઓ સાથે યોજાનાર ભવ્ય શોભાયાત્રા ઉમિયાનગરના મુખ્ય પ્રવેશ દ્વારથી નીકળી ધર્મસભા સ્થળે જનાર છે. હિન્દુ સંસ્કૃતિના દિવ્ય અને અલૌકિક અવસરમાં ધર્મગૂરૂઓ અને સંતોની પાવન ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન થનાર છે. આ ભવ્ય શોભાયાત્રા ઉમિયા નગરના મુખ્ય પ્રવેશદ્વારથી ધર્મસભા ડોમ સુધી યોજાશે આ ઉત્સવમાં જોડાવા દરેક ઉમા ભકતોને અનુરોધ કરાયો છે.