હળવદ, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, મુળી, માળીયા (મિ.) સહિતના તાલુકાના ખેડૂતો દ્વારા હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનું વેચાણ
ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠા વિસ્તારના પ્રથમ હરોળના ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં તાલુકાના ખેડૂતો ઉપરાંત મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક તેમાંય ખાસ કરીને કપાસનું વેચાણ કરવા અર્થે આવતા હોય છે ત્યારે ચાલુ સીઝનમાં જ અત્યાર સુધીમાં હળવદ માર્કેટ યાર્ડમાં ૧૪.૩૩ લાખ મણ કપાસની આવક નોંધાઈ છે અને હાલ પણ દરરોજ ર૦થી રપ હજાર મણ કપાસની આવક નોંધાઈ રહી છે.
હળવદ માર્કેટ યાર્ડમાં અન્ય યાર્ડ કરતા ખેડૂતોને પોતાની વિવિધ જણસોના યોગ્ય ભાવ મળી રહેતા હોવાથી અને તેમાંય ખાસ કરીને કપાસનો ભાવ અન્ય યાર્ડ કરતા ઉંચો મળતો હોય જેથી મોરબી તાલુકાના અમુક ગામડાઓ તેમજ માળીયા, વઢવાણ, લીંબડી, મુળી, ધ્રાંગધ્રા સહિત તાલુકાના ખેડૂતો હળવદ માર્કેટ યાર્ડમાં કપાસ વેંચાણ અર્થે આવતા હોય છે. ત્યારે આ અંગે હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, ઓણસાલ ચાલુ સીઝનનો હળવદ યાર્ડમાં ૧૪.૩૩ લાખ મણ કપાસની આવક નોંધાઈ છે. તેમજ હાલ પણ દરરોજ ર૦થી રપ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. જયારે આ અંગે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ અહીં કપાસ સહિતની વિવિધ જણસોનો વેંચાણ કરવા આવતા હોય છે. માર્કેટ યાર્ડની એક નેમ છે કે, ખુલી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણાના સૂત્રને હળવદ યાર્ડમાં ખરા અર્થમાં સાર્થક કરાય છે.