સોલાર-વિન્ડ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાથી જાપાનીઝ ગૃપ પ્રભાવિત: બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન માટે ૩૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધતી જતી ઊર્જાની માંગને આગામી સમયમાં પહોચી વળવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત મારફતે ગ્રીન એન્ડ ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાનું લાંબાગાળાનું આયોજન અમલમાં મુક્યું છે. આવનારા વર્ષોમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌર અને પવન ઊર્જા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી એ સ્તરે પહોંચવા માંગે છે જ્યાંથી ગુજરાત પોતાની જરૂરિયાત સાથે સાથે દેશના અન્ય રાજ્યોની વીજળીની જરૂરિયાત પણ પૂર્ણ કરે. ગુજરાતની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા આજે ૮૮૮પ મેગાવોટ છે. ર૦રર સુધીમાં તેને ૩૦૦૦૦ મેગાવોટ સુધી લઈ જવા માટે હાઈબ્રિડ પોલિસીનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. આ ૩૦ હજાર મેગાવોટમાંથી ર૦ હજાર મેગાવોટનો ગુજરાતમાં ઉપયોગ કરવામાં આવશે અને ૧૦ હજાર મેગાવોટ વીજળી અન્ય રાજ્યોને ગુજરાત આપશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે જાપાનની અગ્રગણ્ય સોફ્ટ બેન્ક ગૃપનાં એસ.બી એનર્જીંના એકઝીક્યુટીવ ચેરમેન મનોેજ કોહલીએ ગાંધીનગરમાં કરેલી મુલાકાત બાદ ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત ઉત્પાદન ક્ષેત્રમાં ૪ બિલીયન યુ.એસ.ડોલર એટલે કે રૂ. ૩૦ હજાર કરોડના પ્રત્યક્ષ રોકાણોની જાહેરાત કરી છે. ગુજરાતે સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતનાં વ્યાપક ઉપયોગથી ગ્રીન-ક્લીન પર્યાવરણ પ્રિય ઊર્જા ઉત્પાદનનો જે નવિન માર્ગ કંડાર્યો છે તેનાથી પ્રભાવિત થઈને એસ.બી એનર્જી સોફ્ટ બેન્ક ગૃપ રાજ્યમાં આ ક્ષેત્રે રોકાણ કરશે. આ ગૃપ દ્વારા દેશમાં ૧૧ બિલીયન ડોલરનું રોકાણ કરવામાં આવેલું છે તેમાં ગુજરાતમાં ૪ બિલીયન યુ.એસ ડોલર્સનું આ રોકાણ નવું સિમાચિન્હ બનશે. જેથી ગુજરાત ર૦રર સુધીમાં ૩૦૦૦૦ મેગાવોટ સુધીની રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા હાંસલ કરી શકશે. આ લક્ષ્યાંકની સિદ્ધિમાં એસ.બી એનર્જી સોફ્ટ બેન્ક ગૃપનું રોકાણ પ્રેરણા બળ આપનારૂં બની રહેશે.
હાલ ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબનું ગૌરવ મેળવેલું છે. હવે એસ.બી એનર્જી સોફ્ટ બેન્ક ગૃપ દ્વારા રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા નોત ઉત્પાદન ક્ષેત્રે થનાર જંગી રોકાણ ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે. મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતના ક્ષેત્રોમાં સૂર્ય ઊર્જાના એમએસએમઈ સેક્ટરમાં તેમજ ગૃહ વપરાશના સોલાર રૂફ ટોપ માટે પણ સંકલ્પબદ્ધ છે. આ હેતુસર રાજ્યમાં આ વર્ષ બે લાખ પરિવારોને સોલાર રૂફ ટોપ યોજનામાં આવરી લેવાના છે. મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતા કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં સૌર ઊર્જા ઉત્પાદન સાથે સમૂદ્ર કિનારાનાં વિસ્તારોમાં ઓન શોર – ઓફ શોર વિન્ડ એનર્જી પવન ઊર્જા ઉત્પાદન માટેનું વ્યાપક અમલીકરણ પણ રૂપાણી સરકારે કર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જીનું હબ બનવા તરફ ગુજરાતે હરણફાળ ભરી છે.