૧૫ દિવસમાં ભાડુ નહીં ભરે તો દુકાનો ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરાશે
મહાપાલિકાની માલિકીનાં ૨૧ શોપીંગ સેન્ટરોની ૩૦૦ દુકાનો લીઝ પર આપવામાં આવી છે. દુકાનદારો દ્વારા લાંબા સમયથી ભાડુ ભરવામાં આવતું ન હોય આજે ૧૨ શોપીંગ સેન્ટરનાં ૧૦૧ આસામીઓને નોટીસ ફટકારી ૧૫ દિવસમાં ભાડુ ભરવા તાકિદ કરવામાં આવી છે. અન્યથા દુકાન ખાલસા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાની માલિકીનાં ૨૧ શોપીંગ સેન્ટરોની ૩૫૦ દુકાનો લીઝ પર આપવામાં આવી છે. કેટલાક દુકાનદારો દ્વારા ભાડુ ભરવામાં આવતુ ન હોય આજે ગેલેકસી સિનેમા સામેનાં શોપીંગ સેન્ટરમાં પાંચ આસામીઓ, જયુબેલી શોપીંગ સેન્ટર વિભાગ-સીનાં ૧૭ આસામી, વિભાગ-બીનાં ૧૭ આસામી, જયુબેલી રોડ પર ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરનાં ૨૨ આસામી, ભાવનગર રોડ પર આરએમસી બિલ્ડીંગ શોપીંગ સેન્ટરનાં ૪ આસામી, ઢેબર રોડ પર એનએકસી બિલ્ડીંગમાં ૩ આસામી, ત્રિકોણબાગમાં સુગર હાઉસ શોપીંગ સેન્ટરનાં ૪ આસામી, જીઈબી શોપીંગ સેન્ટર પાસેનાં ૧૨ આસામી, મેસોનીક હોલ પાસે ભુતખાના શોપીંગ સેન્ટરનાં બે આસામી, કેનાલ રોડ પર ધન્વંતરી પાસેનાં શોપીંગ સેન્ટરનાં ૬ આસામી, સદર બજારમાં હરીસિંહજી શોપીંગ સેન્ટરનાં ૨ આસામી અને જયુબેલી બાગ રોડ પર મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટરનાં ૭ સહિત કુલ ૧૨ શોપીંગ સેન્ટરનાં ૧૦૧ દુકાનદારોને ધી ગુજરાત પબ્લીક પ્રિમાઈસીસ એકટ ૧૯૭૨ની કલમ ૭ (૧) અંતર્ગત બાકી ભાડાની રકમ ભરપાઈ કરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે જો ૧૫ દિવસમાં દુકાનદારો દ્વારા બાકી ભાડાની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો લીઝ એગ્રીમેન્ટની શરતનાં ભંગ બદલ દુકાનો ખાલસા કરવાની અને બાકી લેણુ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.