ટુ વ્હીલરની પ્લેટનારૂ૧૦ અને ફોર વ્હીલરની પ્લેટનારૂ૩૦નો ઘટાડો
રાજ્યમાં GSTનો અમલ શરૂ થયા બાદ હાઈ સિક્યોરીટી રજિસ્ટ્રેશન પ્લેટ્સના ભાવોમાં ઘટાડો થયો છે. ટૂ વ્હીલર અને થ્રી વ્હીલરના નંબર પ્લેટના ભાવમાં રૂ. ૧૦ અને ફોર વ્હીલર તથા લાઈટ મોટર વ્હીકલના ભાવમાં રૂ. ૩૦નો ઘટાડો થયો છે. આ ઘટાડાનો અમલ ૧ જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં દરરોજ ૧.૩૦ લાખ જેટલી નંબર પ્લેટો નવા વાહનોમાં ફીટ કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૧ હજાર અને વસ્ત્રાલમાં ૮ હજાર જેટલી નંબર પ્લેટો ફીટ થાય છે. જેથી રાજ્યના ૧.૩૦ લાખ વાહન માલિકોને નંબર પ્લેટના ઘટેલા ભાવોનો ફાયદો થશે.
જીએસટીના અમલ બાદ RTOમાં લગાવવામાં આવતી HSRP નંબર પ્લેટોના ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. અગાઉ ટુ વ્હીલરમાં નંબર પ્લેટ ફીટ કરવાનો ભાવ રૂ. ૧૫૦ હતો જેમાં રૂ. ૧૦નો ઘટાડો થયો છે અને તે નંબર પ્લેટ હવે રૂ. ૧૪૦માં લગાવવામાં આવે છે. તે જ રીતે થ્રી વ્હીલરમાં રૂ. ૧૮૦નો ભાવ હવે રૂ. ૧૭૦ જેટલો થઈ ગયો છે. જ્યારે ફોર વ્હીલરમાં રૂ. ૪૩૦નો ભાવ હતો તે ઘટીને રૂ. ૪૦૦ અને લાઈટ મોટર વ્હીકલનો ભાવ રૂ. ૪૫૦ હતો તે ઘટીને રૂ. ૪૨૦ થઈ ગયો છે.
એફટીએ એચએસઆરપી સોલ્યુશન પ્રાઈવેટ લિ.ના ગુજરાતના હેડ પ્રવિણ ઉપાધ્યાયે જણાવ્યું કે, GSTના અમલ બાદ ૧ જુલાઈથી નંબર પ્લેટોના ભાવમાં ઘટાડો કરી દેવાયો છે. રાજ્યમાં દર મહિને ૧.૩૦ લાખ વાહનોમાં નંબર પ્લેટ ફીટ થાય છે તેમને લાભ મળશે.
રાજ્યમાં જૂના વાહનોમાં પણ હાઈ સિક્ટોરીટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે અત્યાર સુધી માત્ર સાડા ત્રણ લાખ જેટલા જૂના વાહનોમાં જ નંબર પ્લેટ લાગી છે. જ્યારે હજુ પણ ૧.૮૦ કરોડ જેટલા જૂના વાહનો એવા છે કે જેમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.
રાજ્યમાં અનેક વાહનચાલકો એવા પણ છે કે જેઓ નવું વાહન લીધા બાદ તેમને નંબર ફાળવાય ત્યારે નંબર પ્લેટ તૈયાર થઈ ગઈ હોવા છતાં નંબર પ્લેટ ફીટ કરાવવા માટે જતાં નથી. અમદાવાદ શહેરમાં હાલમાં ૯ હજાર જેટલી નંબર પ્લેટો તૈયાર થયેલી પડી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં આવી ૯૦ હજાર જેટલી નંબર પ્લેટો તૈયાર થયેલી પડી છે પરંતુ વાહન માલિકો ફીટ કરાવવા માટે આવતા નથી.