૩૮ ટીમો વચ્ચે મુકાબલો: આજે ગુજરાત-હૈદરાબાદ, બરોડા-મુંબઈ, સૌરાષ્ટ્ર-હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ-વિદર્ભ, તમિલનાડુ-કર્ણાટક, ઉત્તરપ્રદેશ- રેલવે, રાજસ્થાન-પંજાબ વચ્ચે મહત્વનાં મુકાબલાઓ
દેશનાં તમામ આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓની કારકિર્દીનો પ્રારંભ જયાંથી થાય છે તે રણજી ટ્રોફીની ૮૬મી ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૧૯-૨૦ની સીઝનનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પાયાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીમાં કુલ ૩૮ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. અગાઉ બે વખત જીતેલી વિદર્ભની ટીમ ત્રીજી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. આજે ગુજરાત-હૈદરાબાદ, બરોડા-મુંબઈ, સૌરાષ્ટ્ર-હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ-વિદર્ભ, તમિલનાડુ-કર્ણાટક, ઉતરપ્રદેશ- રેલવે, રાજસ્થાન-પંજાબ સહિત ૧૮ મેચો રમાશે.
એસ્ટ નિષ્ણાંત ચેતેશ્ર્વર પુજારા તેમજ સુપ્રસિઘ્ધ પ્રતિભા ધરાવતા પૃથ્વી શો આજથી શરૂ થયેલ રણજી ટ્રોફીમાં મહત્વપૂર્ણ દેખાવ કરે તેવું લાગી રહ્યું છે. ૪૧ વર્ષીય વસીમ જાફર પણ અસરકારક રોલ માટે સજજ છે. તેની સાથે સેંકડો યુવા પ્રતિભા હશે. રણજી ટ્રોફી રાષ્ટ્રીય પ્રથમ કક્ષાની ચેમ્પીયનશીપ બીસીસીઆઈની સૌથી હાઈ પ્રોફાઈલ ડોમેસ્ટીક ટુર્નામેન્ટ છે. ભારતીય ટીમ જાન્યુઆરીનાં ન્યુઝીલેન્ડનાં પ્રવાસે જનારી છે. એ સીરીઝને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રની પ્રથમ બે મેચ માટેની ટીમમાં પુજારાનો સમાવેશ કરાયો છે. તેમજ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાની ફિટનેસ ચકાસ્યા બાદ સ્થાન આપવામાં આવશે. ૨૦૧૮-૧૯માં ચેમ્પીયન બનેલી વિદર્ભની ટીમ વિજયવાડા ખાતે આજે આંધ્રપ્રદેશ સામે રમીને પોતાના ટાઈટલ ડિફેન્સનો પ્રારંભ કરશે. ગઈ સીઝનમાં વિદર્ભની ટીમે ફાઈનલમાં સૌરાષ્ટ્રને હરાવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમમાં આ વખતે જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ રમી રહી છે જેમાં ચેતેશ્ર્વર પુજારા પણ રમવાનો છે. ગુજરાતની ટીમ તેનાં નિયમિત સુકાની પાર્થિવ પટેલની ગેરહાજરીમાં પ્રિયાંક પંચાલની આગેવાનીમાં રમશે. પાર્થિવ પટેલ ઈજાગ્રસ્ત હોવાનાં કારણે રમી રહ્યો નથી. ગુજરાતની ટીમમાં અક્ષર પટેલ પણ રમી રમ્યો છે જે તાજેતરમાં ભારત-એ ટીમ માટે સારો દેખાવ કરી આવ્યો છે. પ્રિયાંક ઉપર ભાર્ગવ મેરાઈ, સમીટ ગોહિલ, મનપ્રીત જુણેજા અને વિકેટ કિપર ધ્રુવ રાવલ બેટીંગની જવાબદારી સંભાળશે.
૮૬મી રણજી ટ્રોફીની ચેમ્પીયનશીપ માટે વિદર્ભ ટીમ હોટ ફેવરીટ ગણવામાં આવે છે. આ વર્ષે રણજી ટ્રોફીમાં કુલ ૩૮ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. જયારે એલીટ ગણાતી ૨૮ ટીમોને ૩ ગ્રુપમાં વહેંચવામાં આવી છે જયારે બાકીની ૧૦ ટીમો પ્લેટ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિદર્ભની ટીમ છેલ્લી બે ટ્રોફીમાં ચેમ્પીયન બની આવી છે. આ વખતે પણ વિદર્ભ ટાઈટલ જીતવા હોટ ફેવરીટ ગણાય છે.