બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ રૂા.૨ લાખ રોકડા અને બે મોબાઇલ પડાવ્યા: લવ જેહાદ જેવી ઘટનાથી ભદ્ર સમાજમાં રોષ
હૈદરાબાદના મહિલા તબીબ પર થયેલા સામુહિક બળાત્કાર અને હત્યાની હીચકારી ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે રાજકોટની વધુ એક યુવતીને પીએસઆઇની પરિક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ દઇ ચોટીલાના મુસ્લિમ શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજારી રૂા.૨ લાખ રોકડા અને બે મોબાઇલ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા શખ્સને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામાપીર ચોકડી વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને મકાન ભાડે રાખવાની જાહેરાતના કારણે સંપર્કમાં આવેલા ચોટીલાના એઝાઝ ગઢવાળા નામના શખ્સે રવિરાજસિંહ નામ ધારણ કરી મકાન ભાડે અપાવવા અંગે મોબાઇલમાં વાતચીત કર્યા બાદ પોતાના પિતા પોલીસમાં હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવા કરતા પી.એસ.આઇ.ની પરિક્ષા આપવા અને પાસ કરાવી દેવાની લાલચ દઇ ચોટીલા લઇ જઇ બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ઓએલએકસના માધ્યમથી મકાન ભાડે મેળવવા માટે વિશાલ નામના શખ્સના પરિચયમાં ત્રણેક માસ પહેલાં યુવતી આવી હતી. ત્યારે તેને ચોટીલાના એઝાઝ ગઢવાળાનો નંબર આપી તે રવિરાજસિંહનો નંબર હોવાનું ખોટુ જણાવ્યું હતું.
યુવતીએ રવિરાજસિંહનો મોબાઇલમાં સંપર્ક કરતા તેને પ્રથમ રીસીવ કર્યો ન હતો ત્યાર બાદ વોટસએપના માધ્યમથી બંને વચ્ચે ઓનલાઇન વાતચીત થઇ હતી. ત્યારે એઝાઝ ઉર્ફે રવિરાજસિંહે પોતાના પિતા પોલીસમાં હોવાનું અને કેરીયર બનાવવા પીએસઆઇની પરિક્ષા આપવા સલાહ આપી યુવતીના ડોકયુમેટ મગાવ્યા હતા.
પી.એસ.આઇની પરિક્ષા પાસ કરાવી દેવા એઝાઝ ઉર્ફે રવિરાજસિંહે બે મોબાઇલ મગાવતા યુવતીએ મોબાઇલ મોકલાવ્યા હતા ત્યાર બાદ તેને મોબાઇલમાં વાતચીત કરી બેસતા વર્ષના દિવસે ચોટીલા મળવા બોલાવતા તેને મળવા માટે ગઇ ત્યારે યુવતીને ચોટીલામાં પ્રથમ વખત દુષ્કર્મ આચરી બિભત્સ ફોટા પાડી લીધા હતા. મોબાઇલમાં ઉતારેલું બિભત્સ રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી દઇ રૂા.૨ લાખ પડાવ્યા બાદ મોબાઇલમાં ધમકાવી ગાળો દેતા યુવતીએ યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પી. એસ. આઇ. બરવાડીયાએ ચોટીલાના એઝાઝ ઉર્ફે રવિરાજસિંહની ધરપકડ કરી છે.