જિલ્લાના ૩૬૦ જેટલા કર્મચારીઓ કલેકટર કચેરીએ ધરણા અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજશે: આવતીકાલની જીપીએસસીની પરીક્ષામાં એક પણ કર્મચારી ફરજ નહીં બજાવે
મહેસુલી કર્મચારીઓ મહામંડળ દ્વારા સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે. જેથી આજે મહેસુલી કર્મચારીઓની ફરજનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ તેઓ હડતાલ પર ઉતરવાના છે. સોમવારે તેઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ આપવામાં આવનાર છે. વધુમાં આવતીકાલની જીપીએસસીની પરીક્ષામાં ફરજ બજાવવાનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે.
રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ પોતાના ૧૭ જેટલા પડતર પ્રશ્ર્નોને લઈને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી ચૂકયા હતા. તેમ છતાં સરકાર તરફી નિરાકરણ ન આવતા અગાઉ લડતનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ લડત મોકુફ રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ મહેસુલી કર્મચારી મહામંડળે ગત તા.૨૬ નવેમ્બરના રોજ રાતો-રાત વર્ક ટુ રૂલ આંદોલનની જાહેરાત કરી હતી. ત્યારબાદ તાકીદે મહામંડળે બેઠક બોલાવી આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત કરી હતી. આગામી સોમવારથી મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે. આ હડતાલમાં રાજકોટ જિલ્લાના ૩૬૦ સહિત સમગ્ર રાજ્યના ૧૦ હજાર જેટલા મહેસુલી કર્મચારી જોડાવાના છે. સોમવારથી હડતાલનો પ્રારંભ થવાનો છે. તે જ દિવસે સવારે જિલ્લા કલેકટર કચેરીના પટોંગણમાં સુત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ પણ આપવામાં આવનાર છે.
વધુમાં આવતીકાલે જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર રાખવામાં આવ્યું છે. જેમાં મહેસુલી કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે પરંતુ મહેસુલી કર્મચારીએ આ ફરજનો બહિષ્કાર કર્યો હોય. એક પણ કર્મચારી પરીક્ષામાં ફરજ બજાવશે નહીં.
મહેસુલી કર્મીઓ પ્રજાસત્તાક પર્વની તૈયારીમાં હોંશભેર કામગીરી કરશે
રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સોમવારી મહેસુલી કર્મચારીની અચોક્કસ મુદતની હડતાલ શરૂ થવાની છે. વધુમાં રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોય. અત્યારી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં મહેસુલી કર્મચારીઓને વિવિધ કમીટીમાં ફરજ સોંપવામાં આવી છે. આ હડતાલની અસર પ્રજાસત્તાક પર્વની તૈયારીમાં પડવા દેવામાં આવશે નહીં. તમામ મહેસુલી કર્મચારીઓ રાજ્ય કક્ષાની ઉજવણી હોવાથી તેની તૈયારીમાં હોંશભેર ફરજ બજાવશે.