સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિ મારફત રાજયપાલને પત્ર પાઠવી ગાઈડશીપ રદ કરવા માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પીએચડીનાં સંશોધન કાર્ય પૂર્ણ થયા બાદ સંશોધકો પાસેથી પીએચડીનાં થીસીસ અંગ્રેજી ભાષામાં સ્વિકાર કરવામાં આવશે તેવો નિર્ણય કર્યો હતો જેનાં વિરુઘ્ધમાં સેનેટ સભ્ય ડો.નિદત બારોટે ગુજરાતી અને હિન્દી ભાષામાં થીસીસનો સ્વિકાર કરવા માટે કુલપતિ ડો.પેથાણીને અગાઉ રજુઆત કરી હતી જોકે આ મામલે હજુ કોઈ નિર્ણય ન લેવાતા અંગ્રેજી ભાષામાં ફરજીયાત થીસીસનાં મામલે આજરોજ પોતાની ગાઈડશીપ પરત આપી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિ મારફત રાજયપાલને પત્ર પાઠવી ગાઈડશીપ રદ કરવા માંગ કરી છે.
આ સંદર્ભે સેનેટ સભ્ય ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની નાગપુર ખાતે મળેલી વાર્ષિક સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષાનાં બદલે ભારતીય ભાષામાં જ સંશોધન થવું જોઈએ જે ઠરાવ માર્ચ-૨૦૧૮માં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પક્ષનાં અધ્યક્ષ અને હાલનાં કેન્દ્રીય મંત્રીએ પણ તાજેતરમાં જ રાષ્ટ્રીય ભાષા અને રાજયની ભાષાઓને પ્રભુત્વ આપવાનું જણાવ્યું હતું છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં થીસીસ આપવાનો નિર્ણય અયોગ્ય લાગી રહ્યો છે. આવા નિયમો ગુજરાતની અન્ય યુનિવર્સિટીને પણ લાગુ પડતા હોય આમ છતાં ભાવનગર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ઉતર ગુજરાત યુનિવર્સિટી, ગુરુગોવિંદ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ જેવી નામચીન યુનિવર્સિટીઓમાં પણ પીએચડીનાં થીસીસ ગુજરાતી અને હિન્દી ભાષામાં આપવાની જોગવાઈ છે. માત્રને માત્ર સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધકો માત્રને માત્ર અંગ્રેજીમાં થીસીસ સ્વિકારવાની બાબતે ભારે પરેશાની વેઠવી પડી રહી છે. આ બાબત મને અયોગ્ય લાગે છે જેને લઈ આજે મેં મારી ગાઈડશીપ પરત આપી છે અને યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિને રાજયપાલને પત્ર પાઠવી ગાઈડશીપ રદ કરે તેવી માંગ કરી છે.