પરીક્ષા દરમિયાન કોલેજોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અઘ્યાપકો સત્તાધીશોને આવેદન આપી કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે
હુમલો કરનાર વિદ્યાર્થી સામે ૩૦૭ની કલમ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રિન્સીપાલ એસોસીએશન અને અઘ્યાપક મંડળની માંગ: કુલપતિ-ઉપકુલપતિને આવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની વી.એમ.મહેતા કોલેજમાં ગુરુવારે એક છાત્ર મોબાઈલમાંથી ચોરી કરતા ઝડપાઈ જતા તેની સામે કોપી કેસ દાખલ કરવામાં આવતા વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો અને કોલેજનાં આચાર્ય પર કાતરથી હુમલો કર્યો હતો. આચાર્યને છાતીનાં જમણા ભાગે કાતરનો ઘા વાગતા તેમણે હોસ્પિટલ અર્થે લઈ જઈ સારવાર અપાઈ હતી. આ ઘાતક હુમલો કરનાર વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હુમલો કરનાર છાત્રનું એનરોલમેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ જામનગરનાં બેડીબંદર રોડ પર પંચવટી વિસ્તારમાં વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવારે બી.એ. સેમ-૧ની પરીક્ષા લેવામાં આવી રહી હતી દરમિયાન સીટ નં.૧૫૩૯૪૦ પર પરીક્ષા આપતો વિદ્યાર્થી ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા મોબાઈલમાંથી ચોરી કરતો હોવાનું સુપરવાઈઝરને માલુમ પડયું હતું જેથી વિદ્યાર્થી સામે ગેરરીતીની ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોલેજ કાર્યાલયમાં કોપીકેસ દાખલ કરવાનાં પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીએ કોલેજ સ્ટાફ સાથે માથાકુટ કરી હતી અને કોપી કેસ ન થાય તે માટે છાત્ર કોલેજમાંથી ભાગવા જતો હતો જોકે તે સમયે કોલેજનાં પ્રિન્સીપાલ જે.પી.સિંગ વચ્ચે આવી ગયા હતા અને વિદ્યાર્થીને અટકાવ્યો હતો. જોત જોતામાં વિદ્યાર્થીએ આચાર્ય સિંગ પર કાતરથી હુમલો કર્યો હતો જેમાં આચાર્ય સિંગને છાતીનાં ભાગે ઘા વાગ્યો હતો જેના લીધે આચાર્યને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાં તેમનું ઓપરેશન કરાયું હતું. આ દરમિયાન વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજાની બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી.
આ બનાવને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાત્કાલિક અસરથી એકશન લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનું એનરોલમેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું અને પોલીસ કાર્યવાહીમાં કડકમાં કડક પગલા લેવા પોલીસને વિનંતી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોલેજોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અઘ્યાપકો સત્તાધીશોને આવેદન આપી કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.
યુનિવર્સિટી સ્વખર્ચે સંવેદનશીલ કેન્દ્રો પર પોલીસ પ્રોટેકશન આપશે: વીસી-પીવીસી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ પ્રિન્સીપાલ એસોસીએશન તેમજ અઘ્યાપક મંડળ દ્વારા જામનગરની વી.એમ.મહેતા કોલેજમાં આચાર્ય જી.બી.સિંગ પર ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ કાતરથી હુમલો કર્યો હતો જેનાં સંદર્ભમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વીસી-પીવીસીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પરીક્ષા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવા તેમજ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવે અને જે વિદ્યાર્થીએ હુમલો કર્યો છે તે વિદ્યાર્થી ઉપર ૩૦૭ની કલમ દાખલ કરી જામીન ના મળે તેવી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવે તેવી માંગ કરી છે.
આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી એક પણ ઘટના ન બને તે માટે યુનિવર્સિટી હવેથી સ્વખર્ચે જે સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં પોલીસ પ્રોટેકશન આપશે અને જે પણ ઘટના ઘટી છે જેમાં વિદ્યાર્થીનું તાત્કાલિકપણ એનરોલમેન્ટ પણ રદ કરી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં પ્રિન્સીપાલ, અઘ્યાપકો તેમજ પરીક્ષાને લગતા મહત્વપૂર્ણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી. ભવિષ્યમાં આવી એક પણ ઘટના નહીં બને તેવી અમે ખાતરી આપીએ છીએ.