બેરોજગાર યુવાનોને સરકાર વિરૂદ્ધ આંદોલન કરે તે પ્રકારનું ષડયંત્ર વિપક્ષે રચ્યું હોવાનો આક્ષેપ
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રાજ્યની શાંતિ-સૌહાર્દને તોડવાનું કામ વિપક્ષ કરી રહ્યું છે. હકિકતમાં વિપક્ષ ઈચ્છી નથી રહ્યું કે, ગુજરાતનાં બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી જાય અને ગુજરાતમાં સરકારી રોજગારીનો દર વધે. આથી છેલ્લા કેટલાંક સમયથી જ્યારે-જ્યારે સરકારી પરીક્ષા કે ભરતીઓ યોજવામાં આવે છે ત્યારે-ત્યારે વિપક્ષ અવનવી ચાલ ચાલીને સમગ્ર ભરતી પ્રક્રિયાને ખોરંભે ચઢાવવાનું અપકૃત્ય કરે છે. આ પ્રકારે વિપક્ષ ગુજરાતનાં લાખો યુવાનોને સરકારની વિરુદ્ધમાં ઉભા કરવાનું સમગ્ર ષડ્યંત્ર રચે છે. જેથી યુવાનોને સરકારી નોકરી ન મળે, સરકારનું નામ બદનામ થાય અને રાજ્યમાં શાંતિ-સૌહાર્દનું વાતાવરણ બગડે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ પણ વિપક્ષની ચાલનો શિકાર બની રહ્યાં છે અને અજાણ્યામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ગુજરાત યુવાનોને રોજગારી આપવામાં સદાય અવ્વલ રહ્યું છે.તેવું ભાજપના સુત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત ૬૦૦૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રૂપાણી સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે ૩૭૫૩૫ અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે ૧૧૬૦૦ અને ૧૧૩૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ ૧૫થી વધુ સેવાઓ માટે ૧૬૫૦૦ જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. વળી, ભરતી કેલેન્ડરમાં સામેલ તથા જે જગ્યાઓ માટે રાજ્ય સરકારની મંજૂરીની આવશ્યકતા નથી તેવી જગ્યાઓ મળીને સીધી ભરતીથી રાજ્ય સરકાર દ્વારા ૨૧ વિવિધ વિભાગોમાં ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૧૧૮૪૭૮ કરતા પણ વધુ જગ્યાઓ ભરવામાં આવી છે. આ પૈકી વર્ષ ૨૦૧૪માં ૨૦૨૩૯. ૨૦૧૫માં ૨૪૪૨૦, ૨૦૧૬માં ૧૦૬૦૪, ૨૦૧૭માં ૪૭૮૮૬, ૨૦૧૮માં ૧૫૩૨૯ જગ્યાઓ ભરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૭૮૪૨, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફત ૯૫૩૮, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૪૦૦૭, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૯૭૧૩ અને માધ્યમિક શિક્ષણ પસંદગી સમિતિ મારફત ૬૪૩૫ એમ મળીને કુલ ૩૭૫૩૫ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા જુદા-જુદા તબક્કે પ્રગતિ હેઠળ છે. આમ, ગુજરાતમાં રૂપાણી સરકાર સરકારી અને અર્ધ સરકારી જગ્યાઓ પર હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનોની ભરતી કરી રહી છે પરંતુ વિપક્ષ અવનવા ગતકડા અને ષડ્યંત્ર રચીને આ ભરતી પ્રક્રિયા ન થાય તેમજ બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે તે માટે હવનમાં હાડકા નાખી રહ્યું છે.
વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૭૫૭૪ એપ્રેન્ટીસ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતું. ૧૫ ઓક્ટોબરની સ્થિતિએ દેશમાં એપ્રેન્ટીસની સંખ્યા ૧.૬૯ લાખ છે. જેમાંથી ગુજરાત ૨૩ ટકા ભાગ સાથે ૩૮૮૮૬ એપ્રેન્ટીસ ધરાવે છે. એપ્રેન્ટીસશીપ પોર્ટલ ઉપર નોંધણી કરાવનાર રાજ્ય તરીકે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. આ પોર્ટલ ઉપર થયેલી કુલ ૬૬૬૬૬ એકમોની નોંધણી માટે ગુજરાતના ૧૭૭૦૨ એકમોની નોંધણી કરવામાં આવી છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧ લાખ એપ્રેન્ટીસને રોજગારી આપવાનો છે. દેશમાં કુલ ૨.૬૫ કરોડ મહિલાઓ અને ૮.૪૫ કરોડ પુરુષો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે તેમાંથી ગુજરાતમાં એમએસએમઈમાંથી કુલ ૬૧.૧૬ લાખ લોકોને રોજગારી મળી રહી છે.
એમાંથી ૧૩.૭૧ લાખ મહિલા અને ૪૭.૪૪ લાખ પુરૂષોનો સમાવેશ થાય છે. ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક યોજના (એસઆઈટીપી) હેઠળ સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરી છે. વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં ૨૬૨૮૨ લોકોએ ગુજરાત સ્થિત ટેક્સટાઈલ પાર્કમાં રોજગારી મેળવી છે. આમ, અલગ-અલગ વિભાગો-એકમોમાં પણ રોજગારી આપવામાં દેશભરમાં ગુજરાતની રૂપાણી સરકાર અવ્વલ ક્રમે છે.