વર્ષ ૨૦૧૯-૨૦ની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં ગ્રુપ બીમાં રહેલી સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ મેચ ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ સામે રમશે: રાજકોટમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મુંબઈ અને તમિલનાડુની ટીમ સામે મેચ રમાશે
આગામી તા.૯થી શરૂ થનારી વર્ષ ૨૦૧૯-૨૦ની રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આજે પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જયદેવ ઉનડકટને કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. જયારે અન્ય ૧૫ ખેલાડીઓમાં ચેતેશ્ર્વર પૂજારા, શેલ્ડન જેકશન, અર્પિત વસાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમલેશ મકવાણા, સ્નેલ પટેલ, ચિરાગ જાની, હાર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, અવી બારોટ, વિશ્ર્વરાજ જાડેજા, કુસાંગ પટેલ, ચેતન સાકરીયા, દિવ્યરાજ ચૌહાણ, અને જય ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચાલુ વર્ષની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ બી ગ્રુપમાં રમનારી છે. જેમાં પહેલો મેચ આગામી તા.૯ થી ૧૨ વચ્ચે હિમાચલ પ્રદેશની ક્રિકેટ ટીમ સામે ધર્મશાળામાં રમાનારો છે. જયારે, બીજો મેચ તા.૧૭ થી ૨૭ વચ્ચે રેલવેની ટીમ સામે વિશાખાપટનમ ખાતે રમાનારો છે. જાહેર થયેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કરશન ધાવરી, કોચ તરીકે નિરવ ઓડેદરા, આસીસ્ટન્ટ કોચ તરીકે નિશાંત જાની, હેડ ફીઝીયો થેરાપીસ્ટ તરીકે ડો. અભિષેક ઠાકર રહેશે જયારે ધર્મશાળા ખાતેના પ્રથમ મેચ માટે ભુપતભાઈ તલાટીયાની ટીમ મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની ટીમ રાજકોટ ખાતે આગામી તા.૨૫ થી ૨૮ વચ્ચે ઉત્તર પ્રદેશની ટીમ સામે અને તા.૧૧ થી ૧૪ જાન્યુઆરી વચ્ચે કર્ણાટકની ટીમ સામે મેચ રમનારી છે.ઉપરાંત તા.૧૯ થી ૨૨ જાન્યુઆરી વચ્ચે ઈન્દોરમાં મધ્યપ્રદેશની ટીમ સામે તા.૨૭ થી ૩૦ જાન્યુ. વચ્ચે વડોદરાની ટીમ સામે વડોદરામાં જયારે રાજકોટમાં તા.૪ થી ૭ ફેબ્રુઆરીએ મુંબઈની ટીમ સામે અને તા.૧૨થી ૧૫ ફેબ્રૂઆરી વચ્ચે તામિલનાડુની યીમ સામે સૌરાષ્ટ્રની ટીમ મેચ રમશે આ ટુર્નામેન્ટ માટેના નોક આઉટ મેચ ૨૦ મી ફેબ્રૂઆરીથી ૧૩ માર્ચ વચ્ચે રમનારા હોવાનું જાણવા મળ્યું છે.