સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૭મીએ સેનેટ: સભ્ય પુછશે વૈદ્યક સવાલો
અનુદાનિત કોલેજોમાં સ્પોર્ટસ કર્વાટામાં પ્રવેશ નથી મળતો: ફકત બે અઘ્યાપકોવાળા ૪ ભવનો ધમધમે છે: યુનિવર્સિટી કેમ્પસમાં ૨૦ હજાર વૃક્ષો અને તેની જાળવણી માટે ફકત બે જ માણસો: માસ્ટર ઓફ ફિઝીકલ એજયુકેશનનાં અભ્યાસક્રમમાં યુનિવર્સિટી પ્રથમ આવનાર વિદ્યાર્થીને સુવર્ણપદક પણ આપતી નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૭મી ડિસેમ્બરનાં રોજ સેનેટમાં સભ્યો સતાધીશોને વૈદ્યક સવાલો સાથે ઘેરશે તે નકકી છે. સેનેટ સભ્યોએ પુછેલા જવાબમાં આશ્ર્ચર્યજનક રીતે હકિકત સામે આવી છે. યુનિવર્સિટી દ્વારા વર્કઓર્ડર આપવામાં ન આવ્યો હોય અને તો પણ બાંધકામ કરવામાં આવ્યું હોય તેવા કુલ ૨૯ બાંધકામો અને યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બાંધકામ કરાયું હોય તેવા કુલ ૧૨.૪૭ કરોડનાં બાંધકામ થયા છે. આ ઉપરાંત સરકારી અનુદાનિત અને સરકારી કોલેજોમાં કાઉન્સીલનાં અભ્યાસક્રમ ન હોય તેવા અભ્યાસક્રમોને ક્રમોમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટસ કવોટામાં કોઈપણ વધારાની બેઠક તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત બીજી એક હકિકત એ પણ સામે આવી છે કે, યુનિવર્સિટીમાં લાયબ્રેરી સાઈઝ ફિલોસોફી ભવન, સમાજકાર્ય ભવન અને હ્યુમન રાઈટસ ભવન માત્રને માત્ર બે અઘ્યાપકોથી ચાલી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ૭મી ડિસેમ્બર શનિવારનાં રોજ સેનેટની બેઠક મળનાર છે. આ બેઠકમાં સેનેટનાં કામકાજની યાદી પણ તૈયાર થઈ ગઈ છે અને સેનેટ સભ્યોએ વૈદ્યક સવાલો પુછેલા છે તેમાં ડો.લીલા કડછાનાં પ્રશ્ર્ન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત, કોન્ટ્રાકટ આધારીત કર્મચારીઓની ભરતી બાબતમાં કોઈ ધારાધોરણો છે કે કેમ ? અને હાલમાં કેટલા કર્મચારીઓ છે અને કેટલા કર્મચારીઓની જરૂરીયાત છે તે મુદ્દે યુનિવર્સિટીનો અસ્પષ્ટ જવાબ મળ્યો હતો.
ડો.પ્રિયવદન કોરાટનાં એક પ્રશ્ર્નમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં પુખ્ત વયનાં કેટલા વૃક્ષો છે અને તેની જાળવણી માટે કેટલા માણસો છે તેના જવાબમાં યુનિવર્સિટીએ કહ્યું હતું કે, આશરે ૨૦,૦૦૦ જેટલા વૃક્ષો છે અને તેની જાળવણી માટે ફકત બે જ માણસો છે.
આ ઉપરાંત સેનેટ સભ્ય ડો.તોસીફ પઠાણે સરકારી અનુદાનિત અને સરકારી કોલેજોમાં કાઉન્સીલનાં અભ્યાસક્રમ ન હોય તેવા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને વધારાની બેઠકમાં પ્રવેશ અપાય છે કે કેમ ? તેના જવાબમાં પ્રવેશ નથી અપાતો તેમ યુનિવર્સિટીએ જણાવ્યું હતું. ઉપરાંત યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા હેઠળ ચાલતા માસ્ટર ઓફ ફિઝીકલ એજયુકેશનનાં અભ્યાસક્રમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને સુવર્ણપદક પણ આપવામાં નથી આવતું.
સેનેટ સભ્ય ડો.નિદત બારોટે પુછેલા પ્રશ્ર્ન મુજબ યુનિવર્સિટી દ્વારા વર્કઓર્ડર આપવામાં આવ્યા ન હોય તેવા ૧૯ બાંધકામો ધમધમી રહ્યા છે તેમજ ટેન્ડર પ્રક્રિયા વગર જ બાંધકામ કરાયું હોય તેવા રૂ.૧૨.૪૭ કરોડનાં કામો થયા છે અને માત્રને માત્ર ૨ અઘ્યાપકોથી ચાલતા ૪ ભવનો યુનિવર્સિટીમાં કાર્યરત છે.
આગામી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભામાં સભ્યો સતાધીશોને વૈદ્યક સવાલ સાથે ઘેરશે તે નકકી છે.