સિનિયર કલાર્કની જગ્યા ભરવા માટેનો પરીપત્ર રદ કરવા, હાજરી પ્રશ્ર્ન, સેનેટરી ઓફિસરની જગ્યા ભરવા સહિતની વિવિધ માંગ સાથે કર્મચારી પરીષદનું આવેદન
વિવિધ પ્રશ્ર્ને રજુઆત કરવા માટે અનેક વખત સમય માંગવા છતાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ કર્મચારી યુનિયનનાં નેતાઓને મળવા માટે સમય ફાળવતા ન હોય કર્મચારીઓનો રોષ સાતમાં આસમાને પહોંચી ગયો છે. આજે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરીષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિવિધ માંગણી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરીષદનાં હોદેદારો છેલ્લા ઘણા દિવસથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને વિવિધ પ્રશ્ર્ને રજુઆત કરવા રૂબરૂ મળવા માંગે છે. ગઈકાલે સાંજે યુનિયનનાં નેતાઓ ગયા ત્યારે કમિશનરે સાંજે આવવા માટે જણાવ્યું હતું. દરમિયાન સાંજે તેઓ કલેકટર કચેરી ખાતે એક બેઠકમાં હાજરી આપવા માટે ગયા હોવાનાં કારણે મળી શકયા ન હતા. અનેકવાર મળવા માટે સમય માંગ્યો હોવા છતાં કમિશનર મુલાકાત આપતા ન હોય યુનિયનનાં હોદેદારો અને કર્મચારીઓનો રોષ સાતમાં આસમાને પહોંચી ગયો છે. આજે કર્મચારી પરીષદનાં પ્રમુખ જયેન્દ્ર એચ.મહેતા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ ૪ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. મહાપાલિકામાં સિનિયર કલાર્કની જગ્યા ભરવા માટે એક પરીપત્ર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે જેમાં ઈનહાઉસ ભરતી માટે પણ પ્રથમ વખત પરીક્ષા લેવાનો ઉલ્લેખ કરાયો છે જેની સામે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ૨૦ કે ૨૫ વર્ષથી મહાપાલિકામાં નોકરી કરતા જુનિયર કલાર્કે સિનિયર બનવા માટે પરીક્ષા આપવી પડશે અને કોઈ કર્મચારી બે કે ત્રણ વર્ષ પહેલા ભરતી થયો હોય તે પણ પરીક્ષા આપી શકશે જેનાથી તેવું બનશે કે વર્ષોથી નોકરી કરતા કર્મચારી જો પરીક્ષામાં નાપાસ થશે અને નવો આવેલ કર્મચારી પરીક્ષામાં પાસ થશે તો તે સિનિયર કલાર્ક બની જશે ત્યારે આવો પરીપત્ર રદ કરી સિનયોરીટીનાં આધારે સિનિયર કલાર્કની જગ્યા માટેનો પરીપત્ર રદ કરવા ઉપરાંત હાલ ફેઈસ ડિટેકટરમાં હાજરી પુરવામાં આવે છે.
મશીનમાં ધાંધીયા હોવાનાં કારણે કર્મચારી સમયસર હાજર થઈ ગયો હોવા છતાં તેની હાજરી પુરાતી નથી અને અડધા દિવસની સીએલ મુકવામાં આવે છે અને નોટીસ ફટકારાઈ છે. ફિલ્ડ સ્ટાફ અને જુદી-જુદી શીફટમાં કામ કરતા કર્મચારીઓને પણ નોટીસ પાઠવવામાં આવી છે ત્યારે ફેઈસ ડિટેકટરનાં આધારે હાજરી ન પુરવા પણ રજુઆત કરાઈ છે. આ ઉપરાંત જુનિયર કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરનાં સંવર્ગને સમાન લાયકાત અને કોમન કેડરમાં સમાવવા તથા ૬ સેનેટરી હોસ્પિટલની જગ્યા ઉભી કરવામાં આવી છે તે ભરવા પણ રજુઆત કરવામાં આવી છે.