સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠક મળી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે બીયુટીની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે, જે વિદ્યાર્થીઓ પેપર રીએસેસમેન્ટ કરાવશે તેવા છાત્રોને પેપર ખોલાવવા ભરેલી ફીનું રીફંડ આપવામાં આવશે. દરમિયાન દરેક ક્ષેત્રમાં વિશેષ વ્યકિતત્વ ધરાવતાઓને ડિલીટની પદવી એનાયત કરવાનું પણ નકકી કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠક મળી હતી જેમાં યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી ગાંધીનગર જવાનાં હોવાથી ઉપકુલપતિ ડો.વિજય દેસાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ડો.દેસાણીએ નિર્ણય લીધો હતો કે, જે વિદ્યાર્થીઓને પેપરમાં ઓછા માર્કસ આવ્યા હોય અને તેઓનાં પેપર તપાસવામાં ખામી રહી ગઈ હોય તેવા છાત્રો પેપર મુલ્યાંકન કરાવે છે જેના માટે વિદ્યાર્થીઓને રૂ.૨૫૦ ફિ ભરવી પડે છે. અત્યાર સુધી પેપર રીએસેસમેન્ટ કરાવતા છાત્રોને માર્કસમાં વધારો થાય તો પૈસા રીફંડ મળતા ન હતા જોકે આજની બીયુટીની બેઠકમાં જે છાત્રોનાં પેપરમાં સુધારો થયો હોય તેવા છાત્રોને રૂ.૨૫૦ રીફંડ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વિશેષ વ્યકિતત્વ ધરાવતા લોકોને ડિલીટની પદવી એનાયત કરવાનું પણ નકકી કરવામાં આવ્યું છે. આજની બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠક ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડો.મેહુલ રૂપાણી, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ગીરીશ ભીમાણી, ડો.નિદત બારોટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.