લોકો પાસે પડેલા હોલમાર્ક વગરના દાગીના પર હોલમાર્ક લગાવવું બનશે મુશ્કેલ
સોનાનાં ઘરેણાઓમાં કયાંકને કયાંક હોલમાર્ક કે પછી હોલમાર્ક વિનાનાં સોનાનાં દાગીના વેપારીઓ દ્વારા વહેંચવામાં આવતા હોય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી સોનાનાં ઘરેણાઓમાં હોલમાર્કિંગ ફરજીયાત બનાવવાનું નકકી કર્યું છે. આ તકે મંત્રાલય દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૦નાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે ત્યારે આ મુદ્દાને અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર સોનાનાં વેપારીઓને એક વર્ષનો સમય આપશે જેમાં તેઓએ તેમની પાસે પડેલા સ્ટોકને કલિયર કરી શકશે. સમગ્ર દેશમાં માત્ર ૪૦ ટકા જ સોનામાં હોલમાર્કિંગ થઈ રહ્યું છે. વાત સામે આવી રહી છે કે, સોનાની શુઘ્ધતાનો માપદંડ હોલમાર્કિંગ છે ત્યારે સમગ્ર દેશમાં ૮૦૦ જેટલા હોલમાર્કિંગ સેન્ટરો ઉપલબ્ધ છે જયાં હોલમાર્કિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. વિશ્ર્વમાં ભારત એકમાત્ર એવો મોટો દેશ છે કે જે સોનાની આયાત કરે છે. હોલમાર્કનું નિશાન બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાર્ન્ડસ દ્વારા આપવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં બીઆઈએસ એક માત્ર એજન્સી છે કે જે સોનાનાં ઘરેણાનાં હોલમાર્કિંગ માટે સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. કયાંકને કયાંક સોનાનાં વેપારીઓ બીઆઈએસની સેવા લીધા વગર જ હોલમાર્કિંગ કરાવે છે ત્યારે સરકાર દ્વારા આગામી જાન્યુઆરી ૨૦૨૧થી તમામ સોનાનાં ઘરેણા પર હોલમાર્ક ફરજીયાત કરવામાં આવશે. સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જયાં લોકો માટે સોનુ જરૂરીયાત માનવામાં આવે છે ત્યારે લોકો પાસે રહેલા દાગીના કે જેમાં હોલમાર્ક લગાવવામાં નહીં આવ્યા હોય તેનાં પર હોલમાર્ક લગાવવું અત્યંત મુશ્કેલ બની રહેશે.
કન્ઝયુમર અફેર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, સરકાર સોનાના ઘરેણાં અને કલાકૃતિઓ માટે હોલમાર્ક (ગુણવત્તાની મહોર)ની વ્યવસ્થા ૧૫ જાન્યુઆરીથી ફરજિયાત કરશે. આ પગલાંનો હેતુ આભૂષણ અને કલાકૃતિઓની ગણવત્તા સુનિશ્વિત કરવાનો છે. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં નોટિફિકેશન આગામી વર્ષ ૧૫ જાન્યુઆરીએ બહાર પડાશે અને એક વર્ષ પછી નિર્ણય પ્રભાવમાં આવશે. તે અંતર્ગત બધા જ્વેલર્સએ ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)માં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તે માત્ર હોલમાર્ક સોનાના દાગીના અને કલાકૃતિ જ વેચી શકશે. સોનાનું હોલમાર્કિંગ એક ગુણવત્તા પ્રમાણપત્ર છે અને હાલ તે સ્વૈચ્છિક છે. બીઆઈએસ એપ્રિલ ૨૦૦૦થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહી છે અને હાલ ૪૦ ટકા સોનાનું હોલમાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારતીય માનક બ્યૂરોએ ૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટના સોનાના આભૂષણો માટે માનક તૈયાર કર્યા છે. પાસવાને કહ્યું કે, સરકાર છૂટક વેપારીઓ માટે આ ત્રણ સ્તરની ગુણવત્તાવાળા આભૂષણોની કિંમત પોતાની દુકાનોમાં દર્શાવવી ફરજિયાત કરી શકે છે. નિયમનું ઉલ્લંઘન કરવા પર દંડ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં બીઆઈએસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઓછામાં ઓછો ૧ લાખ રૂપિયા અને વસ્તુના મૂલ્યના ૫ ગણા સુધીના દંડની સાથે-સાથે એક વર્ષની જેલની જોગવાઈ છે. હાલ ૨૩૪ જિલ્લામાં ૮૭૭ આંકલન અને હોલમાર્કિંગ કેન્દ્ર છે અને ૨૬,૦૧૯ જ્વેલર્સએ બીઆઈએસ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે કહ્યું કે, અમારું એક વર્ષમાં દેશના બધા જિલ્લામાં હોલમાર્કિંગ કેન્દ્ર ખોલવાનો અને બધા જ્વેલર્સના રજિસ્ટ્રેશનનું લક્ષ્ય છે. તેને લઈને વ્યાપક સ્તર પર જાગૃતિ અભિયાન ચલાવાશે.
પાસવાને વધુમાં જણાવ્યું કે, અમે દેશમાં સોનાના આભૂષણો અને કલાકૃતિઓ પર હોલમાર્કિંગ ફરજિયાત કરી રહ્યા છીએ. અમે આગામી વર્ષે ૧૫ જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડીશું. તે શરૂ કરવા માટે એક વર્ષનો સમય અપાશે. તે ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી પ્રભાવી થશે. તેમણે કહ્યું કે, જ્વેલર્સ અને છૂટક વેપારીઓને પોતાનો હોલમાર્ક વિનાનો માલ વેચવા માટે એક વર્ષનો સમય અપાશે. પાસવાને કહ્યું કે, આ નિર્ણય ખાસ કરીને નાના શહેરો અને ગામોના ઉપભોક્તાઓના હિતોના રક્ષણ માટે લેવાયો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, અમે સોનાના એ આભૂષણોને હાથ નથી લગાવી રહ્યા જે ગ્રાહકો પાસે પડેલા સોનાને ગાળીને ઘરેણાં બનાવે છે. જ્વેલર્સ મોટાભાગે જૂના ઘરેણાંને ગાળીને નવા ઘરેણાં બનાવે છે. સોનાના આભૂષણને લઈને ફરજિયાત હોલમાર્કિંગ માટે ગુણવત્તા નિયંત્રણ આદેશ ડબલ્યુટીઓની વેબસાઈટ પર ૧૦ ઓક્ટોબર, ૨૦૧૯એ મૂકવામાં આવશે. તેના પર ૬૦ દિવસની અંદર ટિપ્પણી કરી શકાય છે. વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના વેપાર નિયમો મુજબ સભ્ય દેશને ગુણવત્તા નિયંત્રણ આદેશને જિનેવા સ્થિત બહુપક્ષીય બોડીને નોટિફાઈડ કરવાની હોય છે અને પ્રક્રિયામાં બે મહિનાનો સમય લાગે છે. નિકાસકાર દેશોએ સોના માટે ખાસ પ્રકારે બનાવાયેલા બીઆઈએસ ગુણવત્તા નિયમોનું પાલન કરવાનું હોય છે. ભારત ૧૯૯૫થી ડબલ્યુટીઓ સાથે જોડાયેલું છે.