ઉતરભારતમાં હિમવર્ષાના કારણે હજી ઠંડીનું જોર વધશે
છેલ્લા બે દિવસમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રીનાં ઘટાડા સાથે આજે સૌરાષ્ટ્રભરમાં ઠંડી હવા ફરી વળી હતી. સવારે અને મોડીરાત્રીનાં સમયે લોકોને ગરમ વસ્ત્રોની જરૂરીયાત મહેસુસ થવા લાગી છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો નલીયા ૧૧ ડિગ્રી સાથે સૌથી ટાઢુબોળ રહ્યું છે તો બીજી તરફ શિયાળામાં પણ ઉતર ગુજરાતની ઉતર રાજસ્થાન વચ્ચેનાં વિસ્તાર પર ઈસ્ટરલી ટ્રોફ સર્જાયું છે જે હવામાનને આંશિક રીતે ડિસ્ટબન્સ કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાં એક પ્રકારનું આજુબાજુનાં વિસ્તારોની સરખામણીએ હવાનું નીચું દબાણ, લો-પ્રેશર ધરાવતા વિસ્તાર જે મોટાભાગે વાદળો ઝાપટા અને હવામાં ફેરફાર લાવતા હોય છે.
રાજકોટમાં આજે નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજે વહેલી સવારે ૮:૩૦ કલાકે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી જેટલું નોંધાયું હતું અને મહતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ગઈકાલની સરખામણીએ આજની વાત કરીએ તો ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી હતું જે આજે ઘટીને ૧૫ ડિગ્રી પાર પહોંચ્યું છે. આ ઉપરાંત વાત કરીએ તો રાજયનું સૌથી ઠંડુ શહેર નલીયાનું આજનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી જયારે મહતમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા સાથે પ થી ૬ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
જયારે સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, ઓખા, કંડલા સહિતનાં શહેરોમાં સરખી ઠંડી જોવા મળી હતી. રાજયમાં સૌથી વધુ ઠંડી હાલ કચ્છનાં નલીયામાં અનુભવાઈ છે ત્યારે રાજકોટમાં પણ આજે ૧૫ ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન જોવા મળ્યું હતું. રાજયમાં ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જોકે બે થી ત્રણ દિવસ બાદ ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળશે.