પૂજય જગાબાપાનાં ઉત્તરાધિકારી ગાદીપતિ પૂ.ભાવેશબાપુનાં અવતરણ અવસરે સીતારામ પરિવાર દ્વારા ભાવભીનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે: ભાવિકોને સીતારામનાં નાદ સાથે ઉમટી પડવા નિમંત્રણ
લોકડાયરામાં ભજનીક જયમંત દવે, શિવરાજ ગઢવી, હરી ગઢવી, આશ્રમનાં કવિરાજ દડુભા, સાહિત્યકાર વાઘજીભાઈ રબારી, મેરૂભાઈ રબારી, ઋષભ આહિર, રમેશદાન ગઢવી, બેન્જો માસ્ટર હરેશભાઈ, તબલચી મુના મહારાજ, જયસુખ સાધુ અને મંજીરાનાં માણીગર વાઘુભા ઝાલા ભાવિકોને કરાવશે મોજ
દુ:ખિયાના બેલી, સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંત ખારઘોડાના પાટડીના ઉદાસી આશ્રમના પરમ પૂજય સંત સીરોમણી બ્રહ્મલીન શ્રી જગાબાપાના ઉત્તરાધિકારી ગાદીપતિ પૂ. ભાવેશબાપુના જન્મદિન નિમિતે આવતીકાલે તા.૨૯ને શુક્રવારનાં રોજ સિતારામ પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાવિકોને ઉમટી પડવા ભકિતભાવ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
‘સંત બડો પરમાર્થી’ જેવી ઉકિત જેમણે સંપૂર્ણ પણે સાર્થક કરી છે તેવા સંત શિરોમણી પૂ. જગાબાપા ભલે સદેહ હાજર નથી પરંતુ ભાવિકોનીતમામ મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. પાટડીના ઉદાસી આશ્રમ ખાતે આજે પણ જગાબાપાની જાણે સદેહ ઉપસ્થિતિ હોય તેવો અલૌકિક અનુભવ ભાવીકો કરી રહ્યા છે. બ્રહ્મલીન સંત શ્રી જગાબાપાના સમાધીના સાનિધ્યમાં હાલના ગાદીપતિ શ્રી ભાવેશ બાપુના જન્મદિનની ભકિતપૂર્ણ ઉજવણી કરવાનું આયોજન સિતારામ પરિવાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.
આવતીકાલે પૂ. ભાવેશબાપુના અવતરણ અવસરના પાવન પ્રસંગે સિતારામ પરિવાર દ્વારા સંતવાણી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરનાં જાણીતા કલાકારો ભજનીક હરીભાઈ ગઢવી, ભજનીક મહેશદાન ગઢવી, જયમંતભાઈ દવે, શિવરાજભાઈ ગઢવી,સાહિત્યકાર વાઘજીભાઈ રબારી, મોજીલો માલધારી મેરૂભાઈ રબારી, મોજી રમકડુ રૂષભ આહિર, આશ્રમના કવીરાજ દડુભા, બેન્જો માસ્ટર હરેશભાઈ, તબલચી મુન્ના મહારાજ, જયસુખ સાધુ તથા મંજીરાના માણીગર વાઘુભા ઝાલા સહિતના નામી અનામી કલાકારો ભાવિકોને સંતવાણીમાં હરિરસ પીરસશે આ અવસરે સિતારામ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગાદીપતિ પૂ. ભાવેશબાપુના જન્મદિનની ઉજવણીની સાથે સાથે પાટડીના ઉદાસી આશ્રમે ગુરૂવારે દિવસ દરમિયાન વિધિ-વિધાન તથા જોવાનું કામ ચાલુ જ રહેશે આ પાવન અવસરે ભાવીકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા પાટડી (ખારાગોઢા)નાં સિતારામ પરિવાર દ્વારા સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.