વિદ્યાર્થીઓની ગુણવત્તા, ચકાસણી અને અભિવૃદ્ધિ માટે પ્રથમ સત્રની જેમ ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન પીરીઓડિકલ એસેસમેન્ટ ટેસ્ટનું આયોજન
રાજયની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાનાં ધો.૯ અને ધો.૧૦નાં વિદ્યાર્થીઓની શિક્ષણની ગુણવતા ચકાસણી અને અભિવૃદ્ધિ માટે પ્રથમ સત્રની જેમ ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્યાન પીરીઓડિકલ એસેસમેન્ટ ટેસ્ટ લેવાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આગામી તા.૩૦ નવેમ્બરથી ધો.૯ અને ધો.૧૦માં આયોજન મુજબ વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે. એકમ કસોટી માટેનો અભ્યાસક્રમ કસોટીનાં દિવસથી આગળનાં સપ્તાહ સુધીનો રહેશે.
આયોજન મુજબ જે-તે દિવસની એકમ કસોટી માટેનાં સંબંધિત પ્રશ્ર્નપત્રો કસોટીની તારીખનાં બે દિવસ અગાઉ તમામ ડીઈઓ અને તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ઓફિશીયલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દરેક તબકકે પ્રશ્ર્નપત્રોની ગોપનીયતા જળવાય તેની દરેકે વ્યકિતગત તકેદારી રાખવાનો આદેશ કરાયો છે.
એકમ કસોટી લેવા તમામ સરકારી, મોડેલ શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓમાં યોજવાની રહેશે. આ કસોટીનાં પ્રશ્ર્નપત્રો વિદ્યાર્થીઓને વ્યકિતગત હાર્ડ કોપીમાં મળે તે માટેની વ્યવસ્થા શાળાનાં પ્રિન્સીપાલે કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પ્રશ્ર્નોનાં જવાબ એકમ કસોટીની નોટબુકમાં લખવાના રહેશે તે માટે અલગ નોટબુક બનાવવાની રહેશે. એકમ કસોટી માટે નકકી કરેલા દિવસે શાળામાં રજા હોય તો ત્યારપછીનાં ચાલુ કામકાજનાં દિવસે કસોટી યોજવાની રહેશે. શિક્ષકોએ દરેક વર્ગનાં વિદ્યાર્થીઓને અગાઉથી જ એકમ કસોટીની તારીખ, વિષય અને પ્રકરણ જણાવી દેવાના રહેશે. દરેક કસોટી ૨૫ ગુણની રહેશે અને તેનાં જવાબ લખવા માટે વિદ્યાર્થીઓને ૪૫ મિનિટનો સમય આપવામાં આવશે જો શાળા સવારની હોય તો કસોટીનો સમય ૯:૩૦ થી ૧૦:૧૫ કલાક રહેશે અને જો શાળા બપોરની હશે તો એકમ કસોટીનો સમય ૧:૦૦ થી ૨:૪૫નો રહેશે.
ધો.૯માં એકમ કસોટી માટે તા.૩૦ નવેમ્બરનાં રોજ ગણિત, ૭ ડિસેમ્બરનાં રોજ સામાન્ય વિજ્ઞાન, ૧૪ ડિસેમ્બરનાં રોજ વિજ્ઞાન, ૨૧ ડિસેમ્બરનાં રોજ અંગ્રેજી, ૪ જાન્યુઆરીનાં રોજ સંસ્કૃત, ૧૧ જાન્યુઆરીનાં રોજ હિન્દી, ૧૮ જાન્યુઆરીનાં રોજ ગણિત, ૧૫ ફેબ્રુઆરીનાં રોજ સામાન્ય વિજ્ઞાન, ૨૨ ફેબ્રુઆરીનાં રોજ વિજ્ઞાન, ૨૯ ફેબ્રુઆરીનાં રોજ અંગ્રેજી, ૨૧મી માર્ચનાં રોજ ગુજરાતી, ૨૮ મી માર્ચનાં રોજ સંસ્કૃત અને ૪ એપ્રિલે હિન્દીની પરીક્ષા લેવાશે. ધો.૧૦માં ૩૦ નવેમ્બરે ગુજરાતી, ૭ નવેમ્બરે હિન્દી, ૧૪ ડિસેમ્બરે સંસ્કૃત, ૨૧ ડિસેમ્બરે ગણિત, ૨૮ ડિસેમ્બરે સામાન્ય વિજ્ઞાન, ૪થી જાન્યુઆરીમાં વિજ્ઞાન, ૧૧મી જાન્યુઆરીએ અંગ્રેજી, ૧૮મી જાન્યુઆરી ગુજરાતી, ૧૫મી જાન્યુઆરીએ વિજ્ઞાન, ૨૨મી ફેબ્રુઆરીમાં અંગ્રેજી, ૨૯મી ફેબ્રુઆરીએ ગણિતની કસોટી લેવાશે.