રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે ત્યારે હવે શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે. રાજ્યની માધ્યમિક શિક્ષકોની ૧૨૩૯ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ૫૫૭ જગ્યા પર ભરતી કરવામાં આવશે. માધ્યમિક શિક્ષક માટે ઉમેદવાર સ્નાતક – બી.એડ. હોવો જોઈએ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે અનુસ્નાતકની ડિગ્રી સાથે બી.એડ. જરૂરી છે.
રાજકોટ ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાય જણાવે છે કે, રાજ્યની માધ્યમિક સરકારી શાળામાં શિક્ષકોની ૫૫૭ જગ્યા પર ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૭ નવેમ્બર છે. જેમાં બિનઅનામતની ૨૫૫, ઓ.બી.સી.ની ૧૧૨, આર્થિક નબળા પછાત વર્ગની ૫૫, એસ.ટી.ની ૭૬, અનુસુચિત જાતિની ૩૯ અને ફિઝિકલ હેન્ડીકેપની ૨૦ જગ્યા રાખવામા આવી છે. રાજકોટ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ૧૮ જગ્યા ખાલી છે. જેમાં જનરલ કેટેગરીની ૧૧, ઓ.બી.સી.ની ૪, ફિઝિકલ હેન્ડીકેપની ૨ અને આર્થિક નબળા પછાત વર્ગ માટેની ૧ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં ૧૨૩૯ શિક્ષકોની ભરતી થશે.
જેમાં બિનઅનામતની ૫૧૭, ઓ.બી.સી.ની ૨૬૧, એસ.ટી.ની ૧૪૮, આર્થિક નબળા પછાત વર્ગની ૧૨૭, એસ.સી.ની ૭૩ અને ફિઝિકલ હેન્ડીકેપની ૫૭ જગ્યા પર ભરતી થશે. રાજકોટ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ૩૫ શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં જનરલ કેટેગરીની ૨૪, ઓ.બી.સી.ની ૮ અને આર્થિક નબળા પછાત વર્ગની ૩ જગ્યા સામેલ છે. ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં શિક્ષક માટે ઉમેદવારો તા.૩૦ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.