૮ કોમ્યુનિટી હોલનું સંચાલન સોંપવા ઓફર મંગાવવામાં આવી છતાં એકપણ અરજી ન આવતા મુદત વધારાઈ: સંસ્થાઓ વધુ ગ્રાન્ટ માંગતી હોવાની ચર્ચા
કરોડો રૂપિયાનાં ખર્ચે સુવિધાઓ ઉભી કરાયા બાદ તેનું સંચાલન સંભાળવામાં જાણે મહાપાલિકા નાદાર પુરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ૮ કોમ્યુનીટી હોલનું સંચાલન સોંપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી ઓફર મંગાવવામાં આવી હતી. અંતિમ દિવસ સુધી એક પણ સંસ્થાની ઓફર ન આવતા અંતે ૨ સપ્તાહ મુદત વધારવાની ફરજ પડી છે. સંસ્થાઓ વધુ ગ્રાન્ટ માંગતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
શહેરનાં યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કુલ પાસે આવેલા કવિશ્રી અમૃત ઘાયલ હોલનું યુનિટ નં.૧ અને ૨, ધરમનગર આવાસ યોજના માટેનો નાનજીભાઈ ચૌહાણ કોમ્યુનિટી હોલ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, અવનતીભાઈ લોધી કોમ્યુનિટી હોલ, સંતકબીર રોડ પર મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ પર કાંતિભાઈ વૈદ્ય કોમ્યુનિટી હોલ સહિત કુલ ૮ કોમ્યુનિટી હોલનું સંચાલન સોંપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા અને ઓફર મંગાવવામાં આવી હતી. સંચાલન સંભાળનાર સંસ્થાને દર મહિને રૂા.૧૦ હજાર ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી જોગવાઈ રાખવામાં આવી હતી જોકે વીજ વપરાશનું બીલ, સફાઈ સહિતની જવાબદારી જે-તે સંસ્થાનાં શીરે રાખી દેવામાં આવી હતી જેનાં કારણે સંસ્થાઓને નજીવી એવી ૧૦ હજારની ગ્રાન્ટમાં કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવું પોષાય તેમ ન હોય ગ્રાન્ટમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. પ્રિ-બીડ અંતર્ગત અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક રજુઆતને ધ્યાનમાં રાખી મુદત ૧૨મી ડિસેમ્બર સુધી વધારવાની ફરજ પડી છે. ગ્રાન્ટમાં વધારો કરવા સહિતની રજુઆતો અંગે આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલનું સંચાલન સોંપવામાં પણ કોર્પોરેશને લાચારી દાખવવી પડે છે અને સેવાકિય તથા સામાજીક સંસ્થાઓને હાથ-પગ જોડવા પડતા હોય તેવું લાગી રહ્યું છે.