ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં ભષ્ટ્રાચાર ચાલતો હોવાની બાતમીનાં આધારે એ.સી.બી.ની ટીમે સર્ચ કરતા રૂા.૧૮૦૦૦ની લાંચ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી લીધી હોવાનું બહાર આવ્યું
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ખોરાક અને ઔષધ નિયમનતંત્ર મદદનીશ કમિશ્નરની કચેરીમા ડ્રગ્સ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી અને વર્ગ ત્રણના કચેરી અધિક્ષક સામે રૂા.૧૮ હજારની લાંચ મેડીકલ સ્ટોરના સંચાલક પાસેથી લીધી હોવાનો એ.સી.બી.માં ગુનો દાખલ થતા ખડભડાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગત મુજબ એસીબી એકમના પીઆઈ પી.વી. પરગડુને મળેલ ચોકકસ બાતમી મળી હતીકે સરકારી કામકાજ કરવા માટે મેડીકલ સ્ટોરના સંચાલકો પાસેથી યુનિવર્સિટી રોડ પર આવેલ મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં લાંચ લઈ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચોકકસ બાતમીનાં આધારે એસીબીની ટીમે ઉપરોકત કચેરી ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.ગત તા.૧૬ના રોજ હાથ ધરવામાં આવેલા સર્ચમાં બહાર આવ્યું હતુ કે ૧૫૦ ફૂટ રીંગરોડ પર મવડી તરફના રસ્તે આવેલા કોસ્મોપ્લેક્ષ સી.૨ ૪૦૨માં રહેતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં ડ્રગ્સ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ઉર્વીશા વૃજલાલ બાણગોરીયા તથા કચેરી અધિક્ષક ઈકબાલ રસુલ સૈયદ નામના બંને અધિકારીઓ પાસેથી સરકારી કામકાજ કરવા માટે મેડીકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂા.૧૮ હજારની લાંચ લીધી હોવાની રકમ મળી આવતા એસીબીની ટીમે બંને અધિકારીઓ સામે ગુનો નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.