જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને હીરાસર એરપોર્ટ અંગેની રીવ્યુ બેઠક યોજી કામમાં નડતરરૂપ પ્રશ્ર્નો સાંભળ્યા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે કલેક્ટર કચેરી ખાતે હીરાસર એરપોર્ટ અંગેની રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં તેઓએ સબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી કામમાં નડતરરૂપ થતા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત ગારીડાના ખાતેદારને તેની જમીનનું રૂ. ૨.૯૫ કરોડનું વળતર પણ ચૂકવ્યું હતું.
રાજકોટ શહેરની ભાગોળે હીરાસર નજીક ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામનાર છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે કલેક્ટર કચેરી ખાતે રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિક જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશ, તાલુકા મામલતદાર ટિમ તેમજ અન્ય સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એરપોર્ટના કામની વિગતો મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત હીરાસર એરપોર્ટ માટે ગારીડાના ખાતેદાર વિક્રમભાઈ ખાચરની સર્વે નંબર ૧૩ની ૩-૩૮-૨૪ ચો.મી. જમીનનું સંપાદન કરીને તેમને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પોતાના હસ્તે ૮૦ ટકા લેખે રૂ. ૨,૯૫,૬૦,૮૧૯ના વળતરનો ચેક અર્પણ કર્યા હતો.