સમાજનાં આયોજીત કેમ્પમાં કલેકટર તંત્ર, આરોગ્ય તંત્રએ મિડીયાને સાથે રાખી કર્યું સ્ટીંગ ઓપરેશન
સુરત, બરોડા, અમદાવાદ, અમરેલી અને બોટાદ સહિત ચારથી પાંચ માસમાં ૧૦ થી ૧૧ હજાર લાભાર્થીઓ ભોગ બન્યાની શંકા
રાજકોટમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળનાં આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાને નામે વ્યકિત દિઠ રૂ.૭૦૦ ખંખેરતુ કૌભાંડ પર મહાપાલિકાની આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે રવિવારે સવારે રેડ પાડતા અફડા-તફડી મચી જવા પામી હતી. લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવાની બદલે પૈસા ખંખેરી લેતા શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં સદર વિસ્તારમાં આવેલી લાલબહાદુર ક્ધયા શાળામાં સોરઠીયા વણિક જ્ઞાતિજનો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાયો હતો. કાર્ડ કાઢી આપવા માટે ફિકસ રકમ ઉઘરાવી લોકોને લુંટવાનું કારસ્તાન ચાલતું હોવાની વિગત મહાપાલિકાનાં આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરને મળી હતી. જેથી મહાપાલિકાનાં આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરે કલેકટર સ્ટાફ, જીલ્લા પંચાયતની ટીમ અને મીડિયાને સાથે રાખી લાઈવ રેડ કરતા દ.સા.સોરઠિયા સમાજનાં જ્ઞાતિજનોનાં કહેવાતા આગેવાનોમાં અફડા-તફડી મચી જવા પામી હતી અને કશું જ થયું ના હોય તેમ ઢોંગ કર્યો હતો.
વધુમાં પુછપરછ કરતા સમાજનાં લોકોને લાઈનમાં ઉભા રહેવું ન પડે તે માટે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી આપવાનો કેમ્પ યોજી વ્યકિત દિઠ રૂ.૭૦૦ લેવામાં આવતા હતા જેમાં કાયદેસર ફી રૂ.૩૦ કાર્ડ કઢાવવા માટે અને અન્ય શખ્સોને રૂ.૭૦ ખર્ચા પેટે આપી બાકીની રકમ સમાજ કલ્યાણનાં ફંડમાં જમા થતી હોવાનો બચાવ કર્યો હતો. સમાજનાં લોકોને કોઈપણ જાણકારી આપ્યા વગર રૂ.૫૦૦ સમાજ કલ્યાણનાં નામે લુંટવાના કૌભાંડ આચરતા કિશોર ગાંધી, શૈલેષ ધિયા, વિજય માવાણી અને ત્રણ ઓપરેટર સહિતનાં શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
જાણવા મળતી વધુ વિગત મુજબ રાજકોટમાં ચાલી રહેલા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાના કૌભાંડમાં આઈ.ડી.ભરૂચનું ઉપયોગ થતું હોવાનું જાણવા મળ્યું હતું. અત્યાર સુધી ૨૫૦ થી ૩૦૦ લોકોનું રજીસ્ટ્રેશન કરી આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાના નામે રૂ.૭૦૦ લેખે ઉઘરાણી થઈ હોવાનું કહેવાતા સમાજનાં આગેવાનોએ જણાવ્યું હતું.
આયુષ્યમાન ભારત કાર્ડ કૌભાંડમાં આઠ શખ્સો સામે નોંધાતો ગુનો
આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાના નામે અન્ય જીલ્લાની આઈડીનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન ન થયુ હોવા છતાં લોકોને કાર્ડ કાઢી આપવાના બદલે વ્યકિત દિઠ રૂ.૭૦૦ ખંખેરતા સુરતનાં શૈલેષ નવીન ધીયા, ભરૂચનાં શાહીનખાન શરીફખાન પઠાણ, વસીમ દીવાશા દીવાન, ભાવીન બાબુ વાઘેલા, ધીરેન્દ્ર દામોદર ગોરસીયા, રાજકોટનો વિજય માવાણી, સુરતનો કિશોર ગાંધી અને અમદાવાદનાં દિલીપ ગાંધી સામે પ્રદ્યુમન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ભરૂચની આઈડીનો ઉપયોગ થતા મોટા કૌભાંડની શંકા
આયુષ્યમાન કાર્ડ સંબંધિત અધિકારી ડો.પી.કે.શિંગ અને નિખીલ જાદવ સ્થળ પર પહોંચી તપાસ કરતા રાજકોટ સમાજનાં લાભાર્થીઓને કાર્ડ કઢાવવા માટે ભરૂચનું આઈડી ઉપયોગમાં લેવાનું બહાર આવતા મોટા કૌભાંડની શંકા સેવાઈ રહી છે. લેપટોપ, મોબાઈલ સહિતનાં મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.
પાંચ માસમાં ૧૦ થી ૧૧ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયું હોવાની શંકા
લાઈવ રેડમાં કહેવાતા સમાજનાં આગેવાનો અને સ્થળ પર ઉપસ્થિત સુરતનો શખ્સ ધીરેન્દ્રની પુછતાછ કરતા જીતેન્દ્ર નામનો શખ્સ કેમ્પની આગેવાની કરતો હોવાનું અને કાયદેસર રૂ.૩૦ ફી પેટે તથા રૂ.૭૦ અન્ય ખર્ચ અને બાકીનાં રૂ.૬૦૦ જ્ઞાતિ ફંડમાં જમા કરતો હોવાનું રટણ કર્યું હતું અને કેમ્પ દરમિયાન ૨૫૦ થી ૩૦૦ જેટલા લાભાર્થીઓની એન્ટ્રી જોવા મળી હતી. જેમાં કેટલાક લાભાર્થીઓ પાસેથી રૂ.૩૦૦૦ ખંખેરી લેવાનું પણ જાણવા મળ્યું હતું. છેલ્લા પાંચ માસમાં કૌભાંડી કેમ્પોમાં અંદાજીત ૧૦ થી ૧૧ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયું હોવાની શંકા દર્શાવાય રહી છે.