એ ડિવિઝન, બી ડિવિઝન, કુવાડવા, થોરાળા, ભક્તિનગર અને આજી ડેમ પોલીસ મથકના ૭૦ અરજદારો પૈકી ૨૦ના સમાધાન થયા: બે ગુના નોંધાયા
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા છ પોલીસ મથકમાં વિવિધ કારણોસર પોલીસમાં થયેલી અરજીના ત્વરીત નિકાલ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગ દર્શન હેઠળ યોજાયેલા લોકદરબારને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કુલ ૭૦ જેટલી અરજીના અરદારોને ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીએ સાંભળી બંને પક્ષે સમજાવટ કરવામાં આવતા ૨૦ જેટલી અરજીમાં સમાધાન શકય બન્યુ હતું. પેડક રોડ પર આવેલા સેટેલાઇટ ચોકમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન-૧ હેઠળના છ પોલીસ મથકમાં મારામારી સહિતના મુદે થયેલી અરજીનો ત્વરીત અને સુખદ નિકાલ કરવા માટે ડીસીપી રવિ મોહન સૈનીએ લોકદરબારનું આયોજન કર્યુ હતું. લોક દરબારમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એન.કે. જાડેજા, બી ડિવિઝન પી.આઇ. વી.જે. ફર્નાડીઝ, થોરાળાના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એન. ગડુ, આજી ડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એમ.જે. રાઠોડ, કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.આર.પરમાર અને ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી અને તમામ પોલીસ મથકના પી.એસ.આઇ. તેમજ રાઇટર ઉપસ્થિત રહ્યા હતા.
છ પોલીસ મથકના ૭૦ જેટલા અરજદાર અને તેમના સામાપક્ષને સવારથી બી ડિવિઝન પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. બંને પક્ષને પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવતા બપોરના બે વાગ્યા સુધીમાં અંદાજે ૨૦ જેટલી અરજીમાં બંને પક્ષે સમાધાન શકય બન્યુ હોવાનું ડીસીપી ઝોન-૨ રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું તેમજ બે અરજદારો વચ્ચે સમાધાન શકય ન બનતા ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બાકીના અરજદારોને દસ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.