તાત્કાલીક પાકવીમો અને સહાય ચૂકવવાની માંગ કરતા ખેડુતો
રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાકો નિષ્ફળ ગયાં છે.ગઈકાલના રોજ પણ કમૌસમી વરસાદને કારણે ખેડૂતોના બાકી બચેલા કપાસ-મગફળીના પાકમાં વ્યાપક નુકશાની થવા પામી હતી.હાલમાં રવીપાકોનું ખેડૂતો વાવેતર કરી રહ્યાં છે એવા સમયે પણ કમૌસમી વરસાદ જાણે પીછો છોડતો ન હોય તેમ ધોરાજી પંથકમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકશાની જોવા મળી રહી છે.
હાલમાં ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા હોવાથી ધોરાજી પંથકના ૩૦ ગામ નાં ખેડૂતોએ આજે સરકાર સામે કપાસ મગફળીના પાકની નનામી કાઢીને રામ બોલો ભાઈ રામના નારાઓ લગાવ્યા હતાં અને સરકાર સામે અનોખો વિરોધ કર્યો હતો.આ સાથે જ ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર દ્વારા તાત્કાલિક પાકવીમો અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.