મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને ૩૪મી વર્ષગાંઠ નિમિત્તે પાઠવેલી શુભકામના
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય વ્રજરાજકુમારજીને તેમની ૩૪મી વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું. કે સમસ્ત ભારતભૂમિ પર અવતરેલા સંતો- મહંતોની વાણી જ મનુષ્યોને વ્યસન મુક્ત કરવા માટે અસરકારક ભૂમિકા ભજવી શકે છે. રાજ્યમાં અમલી દારૂબંધી નીતિના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીએ આ વાત ટાંકી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યની નેત્રદિપક કામગીરી બાબતે સંતોના આશીર્વાદ- રાજ્યસરકારની પ્રામાણિક કામગીરી અને લોકાભિમુખ્ય વહીવટના ત્રિવેણી સંગમનો નમ્રતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે, ગુજરાતની ઓળખ બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર આધારિત રાજ્યની છે, એટલી જ વ્યાપક ઓળખ આધ્યાત્મિક ચેતના થકી પણ છે. જે માટે શ્રી વ્રજકુમાર જેવા યુવા સંતોનું પ્રદાન બહુમુલ્ય રહ્યું છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની નીતિના ચાર સ્તંભ એવા સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતા અંગેની રાજયસરકારની વિભાવના સ્પષ્ટ કરી કરી હતી. અને વિકાસને રૂંધતી અનિર્ણાયકતા દૂર કરી રાજ્યને વૈશ્વિક પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવવાની નેમ વ્યકત કરી હતી.
વૈષ્ણવ સંપ્રદાયની વૈશ્વિક ફલક પર થઇ રહેલી ધાર્મિક કામગીરીની મુખ્યમંત્રીએ મુક્ત મને સરાહના કરી હતી. અને વ્રજરાજકુમાર જેવા સંતો મેળવવા બદલ ગુજરાતભૂમિ બડભાગી છે, એવો સગૌરવ ઘોષ કર્યો હતો.
દેશમાં થઇ રહેલા કુલ મુડી રોકાણ પૈકી ૪૦ ટકા રોકાણ ગુજરાતમાં થઇ રહ્યાની વાતનો મુખ્યમંત્રીશ્રીએ આનંદસભર ઉલ્લેખ કર્યો હતો. અને જનસુખાકારી માટે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાંઓની વિગતો તેમના વક્તવ્યમાં વણી લીધી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના ૩૪મા જન્મદિવસની ઉજવણી નિમીતે તેમને માળા પહેરાવી હતી. વ્રજરાજકુમારજીના હસ્તે મુખ્યમંત્રીને પ્રતિકાત્મકરૂપે ગાયની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે વ્રજરાજકુમારજી એ જણાવ્યું હતું કે, જગતગુરૂ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુજીના કુળમાં જન્મ લેવો, તે ગર્વની વાત છે. મારૂ સન્માન એ સમસ્ત વૈષ્ણવ સમાજનું સન્માન છે. વ્યક્તિ જ્યાં સુધી પોતાની જાતને પોતાના લક્ષને સમર્પિત નથી કરતા, ત્યાં સુધી તે પોતાના લક્ષને પ્રાપ્ત નથી કરી શકતો.
આ તકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાનલેબ્સના મૌલેશભાઈ ઉકાણીએ કર્યું હતું. વી.વાય.ઓ સંસ્થાની ધાર્મિક યાત્રાને કાર્યક્રમના અંતે મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વી.વાય.ઓ સંસ્થાના બાળકોએ કાર્યક્રમના શુભારંભ સમયે મંગલાચરણનું ગાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વેશ્રીઓ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, અગ્રણી અંજલીબેન રૂપાણી, નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુની. કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિત વિશાળ સંખ્યામાં વૈષ્ણવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.