આડેધડ પાર્ક કરાતી સિટી બસનાં કારણે માર્ગ પર વાહન ચાલકોને પડતી મુશ્કેલી: બસની સ્પીડ પર કોઈ નિયંત્રણ ન હોવાથી અકસ્માત થવાની ભીતી: રસ્તા પર અધવચ્ચે બસ ઉભી રાખી મુસાફરોને ચડાવવા કે ઉતારવા અને છાશવારે વાહન ચાલકો સાથે બસ ડ્રાઈવરને થતા ઝઘડાનાં કારણે સર્જાઈ છે ટ્રાફિકની સમસ્યા
રાજકોટ શહેરમાં હાલ સવારનાં આઠ વાગ્યાથી રાત્રીનાં આઠ વાગ્યા સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં ટ્રાફિકની સમસ્યાને નિવારણ પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે સીટી બસનાં ચાલકો દ્વારા સરે આમ ટ્રાફિક નિયમનનો ઉલાળીયો કરતા હોવાની શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરમાં પુરપાટ ઝડપે દોડતી લાંબી લચક સીટી બસોનાં આડેધડ પાર્ક કરવાનાં કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઉભી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડે છે.
વળી શહેરમાં પુરપાટ ઝડપે દોડતી સીટી બસનાં કારણે અને તેની સ્પીડ પર કોઈ નિયંત્રણ નહીં હોવાથી માર્ગ પર છાશવારે નાના-મોટા અકસ્માત સર્જાય છે તેવી ભીતી શહેરીજનો સેવી રહ્યા છે.
કેટલા જાહેર માર્ગો પર દોડતી સીટી બસનાં ચાલકો દ્વારા મુસાફરોને ઉતારવા કે ચડાવવા માટે રસ્તા વચ્ચે બસને બ્રેક મારી ઉભી રાખી દેવાતી હોવાથી પાછળ આવતા વાહન ચાલકોને મુશ્કેલીઓ સર્જાય છે અને ટ્રાફિકજામ થવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. સીટી બસનાં ચાલકોની અણઆવડત અને ઝઘડારું સ્વભાવના કારણે જાહેર માર્ગો પર છાશવારે નાની-નાની બાબતોમાં બસને રસ્તા પર ઉભી રાખી વાહન ચાલકો સાથે ઝઘડા કરવાનું શરૂ કરતા હોવાથી પાછળ રસ્તામાં વાહનોનાં થપ્પા લાગી જતા ટ્રાફિક સમસ્યા ઉદભવે છે.
ટ્રાફિકથી ધમધમતા ત્રિકોણબાગ પાસે શહેરનાં તમામ રૂટની સીટી બસનાં સ્ટોપ હોવાથી ઘણીવાર બપોરનાં સમયે કે સાંજનાં સમયે સીટી બસનાં ચાલકો દ્વારા આડેધડ બસને પાર્ક કરી જતા રહેતા હોવાથી કલાકો સુધી ટ્રાફિકજામ થઈ જાય છે.
વર્તમાન સમયમાં સરકાર દ્વારા ટ્રાફિકનાં નવા નિયમોનું અમલીકરણ કરવા અને ટ્રાફિક નિયમનને સજજડ બનાવવા પોલીસને આદેશ કરવામાં આવતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરી પ્રજાજનો પાસેથી તોતીંગ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે પરંતુ સરેઆમ ટ્રાફિક નિયમનનો ઉલાળીયો કરતા સીટી બસની કાર્ય પઘ્ધતિ સામે કાર્યવાહી કયારે કરાશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.
સ્માર્ટ સિટીનાં માર્ગો પર અડધા રસ્તે બસ સ્ટોપ સામે છે ટ્રાફિકની સમસ્યા
ટ્રાફિકની સમસ્યાનાં કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શહેરનાં કેટલાક માર્ગો પર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સીટી બસનાં સ્ટોપ અડધા રસ્તા વચ્ચે હોવાથી પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તસવીરમાં નજરે પડે છે કે આ તસવીર દુધસાગર રોડ પર આવેલા સીટી બસ સ્ટોપની છે. આ તસવીરમાં દેખાય છે કે જીઈબીનું ટીસી ફુટપાથની નજીક છે જયારે સીટી બસનું બસ સ્ટોપ રસ્તાની વચોવચ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને છાશવારે ટ્રાફિકની સમસ્યાનો કડવો અનુભવ કરવાની ફરજ પડતી હોય છે.
સ્કૂલ, કોલેજનાં રૂટની સિટી બસમાં વિદ્યાર્થીનીઓની છેડતી અને વિદ્યાર્થીઓ સામે થતી માથાકુટનાં બનાવો બન્યાં આમસ્કુલ, કોલેજમાં અભ્યાસ અર્થે જતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ મોટાભાગે સ્કુલ, કોલેજો દુર-દુર હોવાથી પોતાના વાહનનો ઉપયોગ કરવાના બદલે સીટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. વહેલી સવારે ઘરેથી નિકળેલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સાથે સીટી બસમાં છાશવારે ડ્રાઈવર-કંડકટર દ્વારા ગેરવર્તન કે છેડતી કે માથાકુટ થતી જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનાં તંત્ર દ્વારા આવા બનાવો ન બને અને આવા બનાવો અટકાવવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ પ્રજાજનોમાં ઉઠવા પામી છે.